રેડ એલર્ટ:ઝમાઝમ સાડા સાત ઇંચ વરસાદથી જોડિયા જળબંબોળ,ધ્રોલમાં પાંચ ઇંચ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાલાવડ ગ્રામ્યમાં ઘીંગો વરસાદ,ઉંડ-4 ઓવરફલો - Divya Bhaskar
કાલાવડ ગ્રામ્યમાં ઘીંગો વરસાદ,ઉંડ-4 ઓવરફલો
  • ભારે વરસાદની આગાહી વચ્ચે હાલારભરમાં કાળાડિબાંગ વાદળોનો ભારે જમાવડો, ગ્રામ્ય પંથકમાં પણ ધીંગી મેઘમહેર
  • ખંભાળિયામાં સવા ત્રણ,કાલાવડમાં અઢી,લાલપુરમાં એક ઇંચ,લાલપુર- દ્વારકા,ભાણવડ અને જામજોધપુરમાં પોણો ઇંચ વરસાદ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે મંડાયેલા મેઘરાજાએ સતત બીજા દિવસે ધમાકેદાર વરસાદ વરસાવ્યો હતો.જોડીયામાં મોડીરાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદે મંગળવારે પણ મુકામ કર્યો હતો અને સાંજ સુધીમાં સાડા સાત ઇંચથી વધુ પાણી વરસી ગયુ હતુ.જયારે ધ્રોલમાં પણ અવિરત વરસેલા વરસાદે વધુ પાંચ ઇંચ પાણી ઠાલવી દેતા નિચાણવાળા વિસ્તારો જળબંબોળ થયા હતા.

જોડીયામાં સોમવારે રાત્રે ફરી મેઘરાજા મુશળધાર મંડાયા હતા અને સવાર સુધીમાં ત્રણ ઇંચ જેટલુ પાણી વરસાવી દિધુ હતુ જે બાદ સવારથી સાંજ સુધી યથાવત ભારે વરસાદે વધુ સાડા ચાર ઇંચ જળ ઠાલવી દેતા માર્ગો પાણી પાણી થયા હતા.ગામના અમુક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જયારે તાલુકાના હડીયાણા, બાલંભા,કેશીયા,ભાદરામાં પણ પાંચેક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.

ધ્રોલમાં મુશળધાર વરસેલા મેઘરાજાએ સાંજ સુધીમાં પણ પાંચ ઇંચ પાણી વરસાવી દેતા જોડીયા રોડ સહિતના રાજમાર્ગો જળબંબાકાર થયા હતા જયારે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગ્રામ્ય પંથકમાં પણ ઘીંગા વરસાદથી ખેતરો પાણી પાણી થયા હતા. દેવભૂમિ જીલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં સાંજ સુધીમાં વધુ સવા ત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતો.જયારે કાલાવડ પંથકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.લાલપુર, કલ્યાણપુર,દ્વાકા અને ભાણવડ પંથકમાં પણ અડધાથી એક ઇંચ વરસાદ સાંજ સુધીમાં વરસ્યો હતો. જામનગર સહિત હાલારભરમાં રાત્રે મેઘાવી માહોલ રહ્યો છે.

કાલાવડ ગ્રામ્યમાં ઘીંગો વરસાદ,ઉંડ-4 ઓવરફલો
​​​​​​​કાલાવડ તાલુકાના નિકાવા ગામ પાસે આવેલો ઉંડ-4 ડેમ ઓવર ફલો થયો છે.નિકાવા, ખડધોરાજી,પાતા મેઘપર સહિતના ગામોની જીવાદોરી સમાન ડેમ ઓવર ફલો થતા ગામલોકો અને ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. અવિરત વરસાદથી માર્ગો પણ પાણી પાણી થયા હતા.

ફલ્લામાં અઢી ઇંચ, કંકાવટી ડેમની સપાટી સાડા પાંચ ફૂટ
ફલ્લા ગામે સોમવાર મોડી રાતથી મંગળવાર સવારે સુધી ધીમી ધારે મેધરાજા હેત વસાવી રહ્યા હતા. જેને કારણે ગામમાં સવાર સુધીમાં અઢી ઇંચ પાણી વરસ્યું હતું. વ્યાપક વરસાદને પગલે ફલાના કંકાવટી ડેમમાં નવા નીર આવતા ડેમમાં પાણીની સપાટી સાડા પાંચ ફૂટ પહોંચી છે.

દેવભૂમિ: ગઢકી ડેમ 80 ટકા ભરાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે લોકોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરાઇ છે.ગઢકી ડેમ 80 ટકા ભરાઇ ગયો છેજેના હેઠવાળના ગામોના લોકોને કાળજી રાખવા,નિચાણવાળા વિસ્તારોમાં નહી જાવા અને પાણી ભરાયા હોય તેવા કોઝ વે પરથી વાહન વ્યવહાથ નહી કરવા જિલ્લા સમાર્હતા દ્વારા અપીલ કરાઇ છે.

જોડિયાના મોટાવાસમાં જૂનવાણી મકાનની દીવાલ તૂટી પડી
અવિરત વરસાદને પગલે મોટાવાસ વિસ્તારમાં એક જુનવાણી મકાનની દીવાલ સહિતનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો. અન્ય એક મકાનને પણ નુકસાનનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...