ક્રાઇમ:જામનગરમાં હનુમાન ટેકરી નજીક જૂની અદાવતમાં યુવાનની હત્યા

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોપી ભાગી જાય તે પહેલાં પોલીસે ગણતરીની કલાકમાં પકડ્યો

જામનગર શહેરના દિગ્જામ વૂલનમિલ પાસે આવેલી હનુમાન ટેકરી નજીક સોમવારે રાત્રે પસાર થતાં 2 યુવક પૈકીના 1 યુવક પર ત્યાં રહેતા શખ્સે છરી વડે હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં યુવાન ત્યાં જ ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવના પગલે પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને ગુનો નોંધી આરોપીને ગણતરીની કલાકમાં ઝડપી લીધો હતો.

બનાવની પોલીસસૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર જામનગરના દિગ્જામ વૂલનમિલ વિસ્તારમાં આવેલી હનુમાન ટેકરી વિસ્તાર પાસે સોમવારે મોડીરાત્રે ગૌતમ દિનેશભાઈ સિંગરખિયા નામનો બાવીસ વર્ષનો યુવાન તેના મિત્ર ધમા ફફલ સાથે પસાર થતો હતો એ વેળાએ ત્યાં રહેતા હિતેશ બાબુભાઈ રાઠોડ ઉર્ફે ફોગો નામનો શખ્સ ચડી આવ્યો હતો. તેને ગૌતમ સાથે બોલાચાલી કર્યા બાદ ઉશ્કેરાટમાં આવી પોતાની પાસે રહેલી છરી કાઢી તેના ઘા ગૌતમના ગરદનના ભાગ તેમજ પડખામાં મારી દેતા ગંભીર હાલતમાં ગૌતમ ત્યાં જ ઢળી પડ્યો હતો.

જે પછી હિતેશ ઉર્ફે ફોગો નાસી છૂટ્યો હતો.ગૌતમને ગંભીર હાલતમાં 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. જે બનાવની જાણ થતાં જ સિટી-સી ડિવિઝનના પીઆઈ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને મૃતકના મોટાભાઈનું નિવેદન લઈ વિધિવત ફરિયાદ નોંધી હતી અને હિતેશ ઉર્ફે ફોગાની શોધખોળ હાથ ધરી હતી અને તે પોલીસના હાથમાં આવી ગયો હતો.

હત્યા પાછળના કારણમાં પ્રાથમિક રીતે એવું જાણવા મળ્યું છે કે, શંકર ટેકરીના સુભાષપરામાં રહેતા ગૌતમ દિનેશભાઈ સિંગરખિયા ઉર્ફે ગુડાને થોડા દિવસ પહેલા હિતેશ ઉર્ફે ફોગાના ગ્રૂપના વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી. તે પછી દિવાળીની રાત્રે સુભાષપરામાં એક યુવાન પર હુમલો થયો હતો જેમાં તેના હાથપગ ભાંગી નાખ્યા હતા જેમાં ગૌતમ ઉર્ફે ગુડાની ધરપકડ કરી હતી. આ હત્યાનું કારણ પણ આ અદાવત હોવાનું પોલીસ માની રહી છે.

3 દિવસ પહેલા જ મૃતક જામીન પર છૂટ્યો હતો
મૃતક ગૌતમ સિંગરખિયા 3 દિવસ પહેલા જ મારામારીના કેસમાં જેમાં એક યુવાનના હાથપગ ભાંગી નાખવામાં આવ્યા હતા તે કેસમાં કોર્ટે તેને જેલહવાલે કર્યા બાદ તે 3 દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો અને ત્યાં જ આરોપી સાથે સામનો થતાં તેની હત્યા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...