હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચીટરોએ ઓનલાઇન છેતરપિંડી કરી પૈસા પડાવવાનો હવે નવો કીમિયો શોધી કાઢ્યો છે. વીજ ગ્રાહકોના મોબાઇલ પર વીજ કંપનીના નામે તમે વીજ બિલ ભર્યું નથી, જેથી તમારું જોડાણ કટ થઈ જશે, એવા પ્રકારના મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. લોકોને આ પ્રકારના ટેક્સ મેસેજ કરીને નાણાં ખંખેરવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતાં ભારે ચકચાર જાગી છે.
ભેજાબાજો દ્વારા પીજીવીસીએલ નામે ગ્રાહકોને મોબાઇલમાં ટેક્સ મેસેજ કરી એવું કહી રહ્યા છે કે તમારું વીજ જોડાણ રાત્રિ સુધીમાં કપાઈ જશે, કારણ કે તમારું પાછલા મહિનાનું બિલ અપડેટ નથી. આથી તમે નીચે આપેલા નંબર પર અધિકારી સાથે વાત કરો. તેની સાથે વાત કરવામાં આવે અને કહેવામાં આવે કે બિલ ભરાઈ ગયું છે. તો ચીટરો કહે છે કે બિલ સિસ્ટમમાં અપડેટ થયું નથી, આથી વીજપુરવઠો યથાવત્ રાખવામાં અત્યારે ઓનલાઈન બિલ ભરી દો, જે પછી તમને પરત મળી જશે. ગ્રાહક તેના કહેવા મુજબ કરતાં બેંક ખાતું ખાલી થઈ જાય છે.
દેવભૂમિ જિલ્લાના રહીશે લિંક ખોલતાં જ...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક વ્યક્તિના એક મોબાઇલના આ પ્રકારનો મેસેજ આવ્યો અને લિંક ખોલી રૂા. 10 ભરવાનું કહ્યું હતું. વીજ કનેકશન કપાઇ ન જાય એટલે તેણે એ મુજબ કરતાં ખાતામાંથી 90 હજાર ઊપડી ગયા હતાં.
ભાસ્કરની તપાસઃ નંબરનું લોકેશન વેસ્ટ બંગાળનું ખૂલ્યું
ગ્રાહકોને આવી રહેલા મેસેજમાં નીચે મોબાઈલ નંબર પણ હોય છે. આ નંબરને ટ્રુ કોલર એપ્લિકેશનમાં નાખીને ચેક કરતાં આ નંબરનું લોકેશન વેસ્ટ બંગાળ બતાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અલગ-અલગ ગ્રાહકોને અલગ અલગ નંબર અપાઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા દ્વારા લોકોને સજાગ કરાઈ રહ્યા છે
જામનગરમાં પણ આ પ્રકારનો મેસેજો ગ્રાહકોને આવી રહ્યા છે. આવા કોઈપણ પ્રકારના મેસેજ પીજીવીસીએલ દ્વારા કરવામાં આવતા નથી. જોકે આવા મેસેજ આવી રહ્યા છે, જેની રજૂઆત ધ્યાન પર આવતાં ગ્રાહકો છેતરપિંડીના કીમિયાનો ભોગ ન બને એ માટે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સજાગ કરવામાં આવી રહ્યા છે.- અજય પરમાર, ડેપ્યુટી એન્જિનિયર, જામનગર.
દરરોજ 3થી 4 ગ્રાહકો વીજ કચેરીએ ધસી આવે છે
પીજીવીસીએલના એક અધિકારીના જણાવ્યા મુજબ, આ પ્રકારના મેસેજ લઈ દિવસના 3થી 4 ગ્રાહક કચેરીએ આવે છે. આ ઉપરાંત કમ્પ્લેઇન નંબરમાં પણ દિવસ દરમિયાન 4થી 5 ફોન આવે છે, જેમાં ગ્રાહકોનું કહેવું છે કે અમે વીજ બિલ ભરી દીધું છે છતાં પણ મેસેજ આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.