ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન ગોળી વાગી:વિજરખી ફાયરિંગ રેન્જમાં મહિલાને પગમાં ગોળી વાગી પોલીસ કહે છે, આટલી દુર ગોળી જાય એ શક્ય જ નથી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર તાલુકાના વિજરખી ફાયરિંગ રેન્જમાં ફરી વખત ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન ખેતમજૂર મહિલાના પગમાં ગોળી વાગતા ચકચાર મચી જવા પામી છે. ઘાયલ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેને સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી. પોલીસ આ ઘટના અંગે ગોળી વાગવા અંગે શંકા દર્શાવી રહી છે.

હાલ આ બાબતે જાણવાજોગ દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. જામનગર તાલુકાના વિજરખી ફાયરિંગ રેન્જ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા ફાયરિંગની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે, દરમિયાન ફાયરિંગ રેન્જ એરિયાની નજીકમાં જ આવેલી એક વાડીમાં શ્રમિક મહિલા મજૂરી કામ કરી રહી હતી, જેને પગમાં ગોળી વાગી ગઈ હતી.

આથી તેણીને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે તેના પગમાંથી ગોળી છરકો કરીને નીકળી ગઈ હતી અને ઈજા થઈ છે. જેને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે.આ ઘટનાની જાણ થતાં જામનગર ગ્રામ્ય મામલતદારની ટીમ દોડતી થઈ છે, ઉપરાંત પંચકોષી એ ડિવિઝનનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો છે અને સમગ્ર બનાવવા અંગે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ વિભાગના જવાનો દ્વારા વિજરખી રેન્જમાં ફાયરિંગની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે.

એક જ મહિનામાં બીજી ઘટના બની અગાઉ પણ યુવાનને ગોળી વાગી હતી વિજરખી ફાયરિંગ રેન્જમાં એકાદ માસ પહેલા યુવાનને આવી જ રીતે પગમાં ગોળી વાગી હતી. તે સમયે ભારે વિવાદ થયો હતો અને ગામલોકોએ પણ વિરોધ કર્યો હતો. સોમવારે પણ ખેતમજૂર મહિલાને ગોળી વાગતા ફરી વિવાદ ઉભો થયો છે પરંતુ પોલીસ આ ઘટના અંગે શંકા દર્શાવી રહી છે.

ફાયરિંગ દરમિયાન શું સાવચેતી રખાય છે
ફાયરિંગની પ્રેક્ટિસ વિજરખી રેન્જમાં જ્યારે કરવામાં આવે છે ત્યારે અગાઉ જ લોકોની જાણ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. તે પછી જ્યારે ફાયરિંગ શરૂ થાય તે વખતે સાયરન પણ વગાડવામાં આવે છે. 3 લોકો જુદી જુદી જગ્યાએ લાલ કલરના ઝંડા લઈને ઉભા હોય છે જેથી લોકોને ખતરાનો અહેસાસ થાય.

ગોળી કેવી રીતે વાગી તે સમજાતું નથી : પોલીસ
વિજરખી રેન્જમાં ફાયરિંગ પ્રેક્ટિસ કરીને અમો લોકો 10 વાગ્યે તો પરત ફરી ગયા હતા. મહિલાને ઈજા થઈ છે તે જોતા ગોળી વાગી હોય તેવું લાગી રહ્યું નથી. બાકી ફાયરિંગ દરમિયાન અમે તમામ પ્રકારની સાવચેતીઓ રાખીએ છીએ અને ગોળી આટલી દૂર જાય તે શક્ય નથી. > એ.બી. પરમાર, આરએસઆઈ, પોલીસ હેડ કવાર્ટર, જામનગર.

લોકો ગોળીઓના ખાલી ખોખા વીણવા આવે છે
પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે, લોકોને ઘણીવાર સમજાવ્યું છે છતાં પ્રેક્ટિસ પતી ગઈ હોય કે ચાલુ હોય તે દરમિયાન તેઓ ગોળીઓના ખાલી ખોખા વીણવા આવે છે જે પિતળના હોય એટલે તેની ભંગારમાં કિંમત આવે. લોકોને આ બાબતે સમજાવવામાં આવ્યા છે છતાં લોકો માનતા નથી.

અન્ય સમાચારો પણ છે...