ઉમેદવારી બાબતે હુમલો કરાયો:જામનગરની વિજરખી ગ્રામ પંચાયતની ચૂંટણી ઉમેદવારી કરવા બાબતે મહિલા અને તેના પુત્ર પર ચાર શખ્સોનો હુમલો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચુંટણીમાં ઉમેદવારી બદલ જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ
  • પંચકોશી એ ડિવિઝન પોલીસે વિજરખી પહોંચી માતા-પુત્રને હોસ્પિટલ ખસેડી સારવાર અપાવી

જામનગર તાલુકાની વિજરખી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી દરમિયાન સભ્ય તરીકે ઉમેદવારી કરનાર મહિલા અને તેના પુત્રને સામેના જૂથના શખ્સોએ ઘરમાં ઘુસી માર મારી ચૂંટણી લડવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે પંચકોશી એ ડિવિઝન પોલીસ દફ્તરે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

જામનગર તાલુકાની વિજરખી ગ્રામ પંચાયતની આજે ચૂંટણી શરૂ થાય તે પૂર્વે કતલની રાત્રે અઢી વાગ્યે સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવનારાં મહિલા સામુબેન બાબુભાઇ લીલાપરા નામના મહિલાના ઘરે ભરતસિંહ અમરસંગ ઝાલા, પ્રદીપસિંહ નવલસિંહ ઝાલા, યુવરાજસિંહ સરદારસિંહ પિંગળ તેમજ અન્ય એક અજાણ્યા સહીત ચાર શખ્સો આવી ચડ્યા હતા. તેમજ ‘તારે અમારા સામે ચુંટણી લડવી છે’ તેમ કહી મહિલાને જેમ ફાવે તેમ ગાળો બોલી આરોપી યુવરાજે જમણા હાથના બાવડામાં તથા ગળાની ડાબી બાજુ લાકડીનો ઘા મારી ઇજાઓ પહોંચાડી હતી.

ઉપરાંત પ્રદીપે મહિલાના દીકરા અરવિંદભાઇને ડાબી આંખની નીચેના ભાગે તથા ડાબા પગના સાથળમાં લાકડીના ઘા મારી ઇજાઓ પહોંચાડી હતી. તેમજ અજાણ્યા ઇસમે ઢીકા પાટુનો માર મારી ઈજાઓ પહોચાડી હતી. આ સિવાય ચારેય ઇસમોએ ધમકી આપી હતી કે ‘ચુંટણીમાં ઉમેદવારી કરશો તો જાનથી મારી નાખીશુ.’

આ બનાવ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને પંચકોશી એ ડિવિઝન પોલીસે ગઈકાલે રાત્રે વિજરખી પહોંચી માતા-પુત્રને હોસ્પિટલ ખસેડી સારવાર અપાવી હતી. ત્યારબાદ મહિલાએ ચારેય આરોપીઓ સામે આઈપીસી કલમ 323, 324, 504, 506(2), 452, 114 તથા જી.પી.એકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેમાં મહિલાએ ગ્રામ પંચાયતની સરપંચની ચુંટણીમાં સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી હતી, જે ઉમેદવારી આરોપીઓને ખુંચતી હોવાથી તેમણે ઘરમાં ઘુસી ધમકી આપી માતા-પુત્રને માર માર્યો હોવાના આરોપો લગાવાયા હતા. જેથી આજે વધુ સ્થિતિ તંગ ન બને તે હેતુથી પોલીસે ગામમાં પુરતો બંદોબસ્ત ગોઠવી મતદાન પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...