જામનગરમાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગુલાબનગર વિસ્તારમાં એક અજાણી મહિલા તેનાં 9 દિવસના બાળક પ્રિન્સને રસ્તા પર તરછોડી ચાલ્યા ગયા હતા. જોકે, સ્થાનિકોએ તેમને જોઈ જતાં તેમને રોક્યા હતા અને 181ની ટીમને કોલ કર્યો હતો. જેથી 181ની ટીમે આવી મહિલાની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં મહિલા પોતાની પરિસ્થિતિના કારણે બાળકનો વ્યવસ્થિત ઉછેર કરી શકે તેમ ન હોવાથી બાળકને તરછોડ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી 181ની ટીમે મહિલાને સમજાવતા મહિલાને પોતાની ભુલ સમજાઈ ગઈ હતી.
સમાજમાં ફરી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. બાળક એ ભગવાને આપેલી એક દેન છે અને તેને સમાજમાં સારૂ જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે. જોકે, જામનગરનાં ગુલાબનગર વિસ્તારમાં એક અજાણી મહિલા તેનાં 9 દિવસના બાળક પ્રિન્સને રસ્તા પર મૂકી ચાલતાં થયા હતા. ત્યાં સ્થાનિક લોકોએ તેમને જોઈ જતાં રોક્યા હતા. ત્યારબાદ 181ની ટીમને જાણ કરી હતી.
181ની ટીમ સ્થળ પર પહોંચી બહેન સાથે વાતચીત કરતાં મહિલાના જણાવ્યાં પ્રમાણે તેઓ મૂળ મહારાષ્ટ્રના છે. તેઓના લવ મેરેજ થયા છે. તેઓના પતિ 12 મહિનાથી એમ. પી.ની જેલમાં છે. તેમનું સાસરું નાની રાફુદળમાં છે. પરંતુ તેઓ અલગ ધ્રોલ રહેતા હતાં. મહિલાને બાળકને અહી મૂકી જવાનું કારણ પૂછતાં જણાવ્યું કે, તેઓ પોતાની પરિસ્થિતિના કારણે તેમના બાળકને વ્યવસ્થિત રીતે ઉછેરી શકે તેમ નથી.
181ની ટીમ ઘટનસ્થળે ગઈ ત્યારબાદ પોલીસ અધિકારીઓ પણ ત્યાં આવ્યા હતા અને હાલ મહિલાને 181ની ટીમ તેમજ પોલીસ અધિકારી સાથે મળી સિવિલ હોસ્પિલ ખાતે લઇ આવ્યાં હતા અને ત્યાં એમ.એલ.સી. થશે. તેમજ બાળકને કમરાની અસર હોવાથી બાળકને ત્યાં એડમિટ કરાવ્યો છે અને આગળની કાર્યવાહી માટે મહિલાને પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે.
181ની ટીમના સફળ કાઉન્સિલિંગ બાદ મહિલા હવે તેમના બાળકને રાખવા માટે તૈયાર થયાં છે અને તેને તેની આ ભૂલ સમજાઇ ગઈ છે. હવે તેને તેની આ ભૂલ માટે પસ્તાવો થાય છે. ફરી હાલ 181ની ટીમ કાઉન્સેલર પૂર્વી પોપટ કોન્સ્ટેબલ ઇલા બા ઝાલા અને પાયલોટ સુરજીત સિંહ વાઘેલા દ્વારા બાળકને ફરી એક નવું જીવન મળ્યું છે. હાલ બાળક જી. જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.