ખાનગી નોકરી કરવા મજબૂર:બેંકોમાં વ્યાજદર ઘટતા પેન્શનરો શેરબજાર તરફ વળ્યા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિને રૂા. 2000 થી 4000 પેન્શન મેળવતા અર્ધસરકારી કચેરીના નિવૃત્ત કર્મીઓની વ્યથા

જામનગરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ, એસ.ટી.સહિતની સરકારી કચેરીઓમાં ફરજ પૂર્ણ કરી નિવૃત્ત થયા બાદ કર્મચારીઓને દર મહિને માત્ર રૂ. 2000થી 4000 પેન્શન મળે છે. સરકારી કચેરીઓના કર્મચારીઓ નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ મળતા નાણાંકીય હકક- હિસ્સા મરણમૂડી તરીકે મહદઅંશે સરકારી બેંકોમાં મૂકતા હોય છે. પરંતુ છેલ્લાં ઘણા સમયથી સરકારી બેંકોમાં ફીક્સ ડીપોઝિટના વ્યાજમાં દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

આથી ગુજરાન ચલાવવા દર મહીને ચોક્કસ આવક મળી રહે તે માટે મ્યુચ્યુઅલ ફંડ તથા શેરબજારમાં રોકાણ તથા અન્ય નોકરી કરવા મજબૂર બન્યા હોવાનું મર્યાદીત પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઑએ જણાવ્યું છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે ખાનગી બેંકોમાં સરકારી બેંક કરતાં વ્યાજ દર આંશિક વધુ હોય છે પરંતુ ખાનગી બેંકોમાં ફ્રોડના બનાવ અને બેંક ઉઠી જવાની ભીતિના કારણે મોટાભાગે સરકારી બેંકોમાં રોકાણ કરીએ છીએ.

વ્યાજદર ઘટતા ગુજરાન ચલાવવા ખાનગી નોકરી કરૂં છું
નિવૃત્ત થયા બાદ હવે મને દર મહીને રૂા. 1900નું પેન્શન મળી રહ્યું છે. નોકરી પૂર્ણ કર્યા બાદ આવેલા નાણાં બેંકમાં મૂક્યા છે. પરંતુ સરકારી બેંકોમાં વ્યાજના દર છેલ્લા કેટલાય સમયથી સતત ઘટતા જાય છે. આથી આવક માટે પ્રાઇવેટ સેક્ટરમાં સર્વિસની સાથે વેપારીઓના એકાઉન્ટ લખવાનું કામ પણ મે શરૂ કરી દીધું છે. - ભરતભાઇ રાઠોડ, નિવૃત કર્મચારી,જામનગર.

આવક વધારવા મ્યુચ્યુઅલ ફંડ, શેરબજારમાં રોકાણ કર્યું

દોઢ વર્ષ પહેલા ફરજ પરથી નિવૃત્ત થયો ત્યારબાદ મહીને ફકત રૂ.3500 પેન્શન મળે છે. સરકારી બેંકાેમાં તો વ્યાજ કાંઇ છે જ નહીં એટલે મે આવકનો સ્ત્રોત વધારવા માટે થોડું-ઘણું રોકાણ શેરબજારમાં તથા મ્યુચ્યુઅલ ફંડમાં કર્યું છે. આ ઉપરાંત વધારાની આવક માટે હું પ્રાઇવેટ સેક્ટરમાં સર્વિસ પણ કરવા માંડયો છું. - ભરતભાઈ વજાણી, નિવૃત્ત કર્મચારી, જામનગર.

એફડીમાં વ્યાજ દર ઘટતા આર્થિક સંકડામણ વધી

3 વર્ષ વર્ષથી નિવૃત થયો છું. ફરજ બાદ મળેલા નાણાંકીય હિસ્સા સરકારી બેંકોમાં એફડી તરીકે મૂક્યા છે. પરંતુ ઘણાં સમયથી ફીકસ ડિપોઝિટના વ્યાજ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આટલા ઓછા વ્યાજથી ગુજરાન ચાલી શકે નહીં, આથી હું નાછૂટકે પ્રાઈવેટ સેકટરમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરી રહ્યો છું.- રમેશભાઈ બારડ, નિવૃત કર્મચારી, જામનગર.

ફીકસ ડીપોઝિટના વ્યાજદર ઘટતા આવકમાં ફટકો પડ્યો

2017માં નિવૃત્ત થયા બાદ રૂ.3000 પેન્શન મળે છે. નિવૃતિ બાદ આવેલા નાણાંનું સરકારી બેંકમાં રોકાણ કર્યું છે. પરંતુ એફડીના વ્યાજ દર ઘટતા આવકમાં ફટકો પડતા દોઢ વર્ષથી અલગ અલગ પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરી રહ્યો છું. ઉપરાંત થોડી વધુ આવક માટે મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કર્યું છે. - જગદીશ ચુડાસમા, નિવૃત કર્મચારી, જામનગર.

અન્ય સમાચારો પણ છે...