જામનગરમાં રહેતા અને સોનાની દુકાન ધરાવતા વેપારી પાસેથી ગિરવે પડેલુ સોનુ છોડાવી વેચવાનુ કહી નફા પેટે રકમ આપવાનો ભરોસો આપી બે શખસએ સમયાંતરે રૂ.6.99 લાખની રોકડ રકમ મેળવી લીધા બાદ સોનુ કે રકમ પરત ન કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચર્યાની ફરીયાદ નોંધાઇ છે.ઉકત આરોપીઓ સામે અગાઉ પણ સોની વેપારી સાથે ઠગાઇ મામલે ગુનો નોંધાઇ ચુકયો હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.
જામનગરમાં ચાંદીબજાર વિસ્તારમાં લાલબાગ સામે રહેતા અને સોની બજારમાં સોનાની દુકાન ધરાવતા નિલેશભાઇ વ્રજલાલ માંડલીયા નામના વેપારીએ પોતાની પાસેથી સમયાંરે જુદા જુદા માધ્યમથી મળી રૂ.6.99 લાખની રકમ મેળવી ગિરવે પડેલુ સોનુ છોડાવી નફામાંથી રકમ આપવાનો ભરોસો આપ્યા બાદ રૂપિયા પરત ન કરી વિશ્વાસધાત અને છેતરપીંડી કર્યાની ફરીયાદ સીટી એ પોલીસ મથકમાં વસીમ ખીરા તથા ઇકબાલ ઇબ્રાહિમભાઇ ખીરા સામે નોંધાવી છે.
આ બનાવની ફરીયાદના આધારે પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એન.વી. હરીયાણીએ હાથ ધરી છે. ભોગગ્રસ્ત વેપારી પાસે ગત તા.28/2ના રોજ આરોપી વસીમ અને ઇકબાલ આવ્યા હતા જેઓએ તેનુ સોનુ જાકીરભાઇ પાસે ગિરવે પડયુ હોવાનુ જણાવી જો તમો તેને દેવાના 1.99 લાખની વ્યવસ્થા કરી આપો તો સોનુ છોડાવી તમોને વેંચી દઇશુ અને નફા ભાગે રૂપિયા પણ આપીશુ એમ કહી વિશ્વાસ-ભરોસો આપતા વેપારીએ બંનેને ઉકત રકમ આપી દિધી હતી.
જે બાદ સપ્તાહમાં તમોને સોનુ આપી દેશુ એમ કહ્યુ હતુ. ત્યારબાદ ગત તા.8મી માર્ચના રોજ બંને શખસે ફરી વેપારીનો સપંક કરી રૂ.5 લાખની રકમની અન્ય સ્થળે ગિરવે પડેલુ સોનુ છોડાવવા માટે જરૂર હોવાનુ કહી વિધિવત લખાણ કરાવતા તેને વેપારી દ્વારા રૂા. 5 લાખનો ચેક અપાયો હતો.
ત્યાર બાદ નિયત મુદે સોનુ ન મળતા વેપારીએ બંનેનો સપક સાધતા બહાના બતાવતા સોનુ નથી જોતુ રકમ પરત કરો એમ વેપારીએ કહેતા બંનેએ તમારાથી થાય તે કરી લેજો એમ કહી સોનુ કે રકમ પરત ન કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.
વધુ એક સોની વેપારી બન્યા ઠગાઇનો શિકાર
આ બનાવમાં પોલીસે જેની સામે ગુનો નોંધ્યો છે એ બેલડી સામે એકાદ સપ્તાહ પુર્વે નગરના અન્ય એક વેપારીએ પણ રૂ. આઠેક લાખની ઠગાઇ મામલે ફરીયાદ નોંધાવી હતી.જે બાદ ઉકત બંને સામે વધુ એક ઠગાઇની ફોજદારી દાખલ થતા પોલીસે આ સમગ્ર મામલે સધન તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.