ભાસ્કર એક્સકલુઝિવ:ઓખા-માંડવી ફેરી સર્વિસનું સ્વપ્ન ધૂમાડો થઈ જશે ? સાઉદી અરેબિયાથી આવેલી લકઝરી બોટ પરત લઈ જવાની તૈયારી

માંડવી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત માસે કચ્છમાં કેન્દ્રીય શિપિંગ મંત્રીને રજૂઆતનું બાષ્પિભવન: કરોડોની બોટ ચાર માસથી માંડવી આવી ગઈ, પણ વહીવટી મંજૂરી ન મળતાં પાછી મોકલાશે
  • સાઉદી​​​​​​​ અરેબિયાથી આવેલી ‘લેડી એલિસ’ નામની પેસેન્જર બોટને ભારતમાં ‘આશા કિરણ’ નામ અપાયું, વહીવટી મંજૂરી ન મળતા 198 ટન વજનની આ વેસલ્સ પરત લઈ જવા વિચારણા

ઘોઘા દહેજ વચ્ચે રો પેક્સ સર્વિસ શરૂ કરાયા બાદ વડાપ્રધાન મોદીએ રાજ્યોમાં અન્ય સ્થળે પણ ફેરી સર્વિસ ચાલુ કરવાની જાહેરાત કરી હતી જેથી માંડવી ઓખા ફેરી સર્વિસ માટે સાઉદી અરેબિયાથી ‘આશા કિરણ’ નામની લક્ઝરી બોટ માંડવી બંદરે આવી પહોંચી હતી પણ ચાર માસથી પેસેન્જર ફેરી સર્વિસ ચાલુ કરવાની વહીવટી મંજૂરી ન મળતાં કંપની કરોડોની કિંમતનું વેસલ્સ પરત લઈ જવાની તૈયારી કરી રહી છે.

સાઉદી અરેબિયામાં કતાર સમુદ્રમાં પેટ્રોલિયમ કંપનીમાં ચાલતી ‘લેડી એલિસ’ નામની પેસેન્જર બોટને આશી રિસોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર શૈલેષ આર. મડીયાર માંડવી-ઓખા ફેરી સર્વિસ ચાલુ કરવા લાવ્યા હતા, જેનું ભારતમાં રજિસ્ટ્રેશન થયા બાદ તેનું નવું નામ ‘આશા કિરણ’ રખાયું હતું.

પરંતુ વહીવટી પ્રક્રિયામાં સરકારી બાબુઓએ રસ ન લેતાં ગત માસે ગુંદિયાળી લાઈટ હાઉસના લોકાર્પણ પ્રસંગે આવેલા કેન્દ્રીય શિપિંગ મંત્રી સબાનંદ સોનવાલ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં કોઇ સકારાત્મક પ્રતિસાદ ન સાપડતાં નિંદ્રાધીન તંત્રે હજી આળસ ખંખેરી નથી.

આ વલણના કારણે 60 સીટરની લક્ઝરી પેસેન્જર બોટ પરત લઈ જવા ખાનગી પાર્ટીએ મન મનાવી લીધું હોવાથી ટૂંક સમયમાં બોટ સાઉદી અરેબિયા પરત જશે. 2004માં કોમોરો કન્ટ્રીમાં પાસ થયેલી અને 198 ટનન વજન ધરાવતી 42 હોર્સ પાવરના ત્રણ એન્જિન વાળી અત્યંત આધુનિક બોટ ચાલુ કરવા તત્કાલિન સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે રજૂઆત કરાઇ હતી, જેનું બાષ્પીભવન થઇ જતાં કેન્દ્રીય શિપિંગ મીનિસ્ટર સમક્ષ ધા નાખવામાં આવી હતી તેનું પણ ઠોસ પરિણામ આવ્યું ન હતું.

ઓખા-માંડવી, રોઝી-જામનગર સહિતની 3 સર્વિસ ચાલુ કરવા માટે મેરિટાઈમ બોર્ડના વાઈસ ચેરમેને ટ્વિટ કરી હતી
મેરી ટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન મુકેશકુમારે જે તે સમયે રોઝી-મુન્દ્રા, ઓખા માંડવી, રોઝી જામનગર એમ ત્રણ જગ્યાએ ફેરી સર્વિસ ચાલુ કરવાની ટ્વિટર પર માહિતી મૂકી હતી. માંડવી ઓખા વચ્ચે ફેરી સેવા માટે ખાનગી પાર્ટી દ્વારા સાહસ પણ કરાયું હતું પણ આ બાબત તરફ ધ્યાન આપવામાં આવતું ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ઓખા અને જામનગરથી અનુક્રમે માંડવી તેમજ રોઝીની ફેરી સર્વિસ શરૂ થાય તો હાલારના સેંકડો નાગરિકો માટે આશિર્વાદરૂપ બનશે.

ઓખાથી માંડવી : રોડ માર્ગે 8 કલાક, સમુદ્ર માર્ગે 1 કલાક
ઓખાથી માંડવી માર્ગનું 450 કિલો મીટરનું અંતર કાપવા 8 કલાકનો સમય લાગે છે, સમુદ્રમા 25 નોટિકલ પ્રમાણે હાઈ પાવર પેસન્જર બોટ એક કલાકના 25ની સ્પીડે દોડતી હોવાથી એક કલાકમાં પ્રવાસીઓ ઓખાથી માંડવી અને માંડવી થી ઓખા દરિયાઈ સહેલગાહ સાથે આવાગમન કરી શકે છે.

ગુજરાતમાં સૌપ્રથમ માંડવી-ઓખા સર્વિસ ચાલુ થઈ હતી
ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ ખાનગી રીતે 28 ડિસેમ્બર 2015ના દ્વારકા-માંડવી ફેરી સર્વિસ ટુરીઝમ કચ્છ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ખાનગી સાહસથી ચાલુ કરાઈ હતી. માંડવી બંદરે ડ્રેજીંગ નહીં થવા સહિતના કારણો અને રાજકીય ઇચ્છાશક્તિના અભાવે આ ફેરી સર્વિસ બંધ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...