જામનગર તાલુકાના મોખાણા ગામના એક યુવાનને મારી ગર્લફ્રેન્ડના મોબાઈલ નંબર બીજાને કેમ આપશ? તેમ કહી અલીયાબાડાના એક શખ્સે વાત કરવા બોલાવ્યા પછી તે યુવાન સહિત બે પર પાંચથી છ શખ્સે છરી-ધોકાથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે રાયોટીંગ, હથિયારધારા ભંગ, હત્યાપ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગર તાલુકાના મોખાણા ગામમાં રહેતા કરણ દિલીપભાઈ દેગામા નામના કોળી યુવાને વાતચીત કરવા માટે ગઈકાલે સાંજે અલીયાબાડાના કિશન આહિરે ગામની બહાર બોલાવતા કરણ તથા તેનો મિત્ર હિતેષ ગયા હતા. આ વેળાએ ત્યાં આવેલા કિશન તથા તેની સાથેના પ્રવીણ આહિર, અજય આહિર અને અન્ય બેથી ત્રણ શખ્સે બોલાચાલી શરૂ કરી હુમલો કર્યો હતો. કિશને પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી તેનો ઘા કરણના માથામાં ઝીંકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હિતેષ વચ્ચે પડતા તેના પર પણ ધોકા વડે પ્રાણઘાતક હુમલો કરી માથામાં ફટકા મારવામાં આવ્યા હતા. બન્ને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી મોડી રાત્રે કરણ દેગામાએ ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ જે. ડી. પરમારે આઈપીસી 307,323,307,323,324,143,147,148,149,294,જી. પી. એક્ટની કલમ 135 (1) હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.
હુમલા પાછળનું કારણ એવું હતું કે, અલીયાબાડાના કિશને ફોન કરી જૂના મોખાણાના કરણને કહ્યું હતુ કે, મારી ગર્લફ્રેન્ડના નંબર બીજાને કેમ આપશ? તે પછી વાતચીત કરવા માટે કરણને જૂના મોખાણા ગામની બહાર બોલાવાયો હતો અને પાંચથી છ શખ્સોએ હલ્લો કરી કરણ તથા તેના મિત્રની હત્યાનો પ્રયાસ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.