જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હવે ધીમે ધીમે ચૂંટણીલક્ષી ગરમાવો પકડાઈ રહ્યો છે. ત્યારે ‘ભાસ્કર ટીમ’ રોજેરોજ આ પ્રમાણેનો ગ્રાઉન્ડ રિપોર્ટ આપીને હાલાર પંથકના વિવિધ ગામડાઓમાં થતી ગતિવિધિઓની હલચલથી આપને ઘરે બેઠા વાકેફ રાખશે.
કોંઝા (તા. જામનગર)
છેલ્લા 60 વર્ષથી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જ થઈ નથી, બિનહરીફ ચૂંટાય છે
કોંઝા - કોંઝા ગામમાં સરપંચ દિપેશભાઈ સંચાણીયા જણાવ્યું હતું કે, ગામમાં છેલ્લા 60 વર્ષથી ચૂંટણી નથી થઈ. અહીં ગામમાં એકતા હોવાથી સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ઉમેદવારો બિનહરીફ જ ચૂંટાય છે. ગામમાં ફક્ત એક નાલાનો જ હાલ પ્રશ્ન છે. જયારે સમગ્ર ગામ શાંતિ પ્રિય હોવાથી ચૂંટણીલક્ષી કોઈ વાતાવરણ જ નથી.
બાલંભડી (તા. જામનગર)
ચૂંટણીલક્ષી ગરમાવો નહીં, શાંતિપૂર્ણ વાતાવરણ
બાલંભડી - જામનગર તાલુકાના બાલંભડી ગામમાં વિધાનસભા ચૂંટણીને લઈને હાલ તો ખાસ ચુંટણી લક્ષી વાતાવરણ જોવા મળી રહ્યું નથી. જોકે આ ગામમાં ડામર રોડ બન્યો હતો પરંતુ તે જર્જરિત થઈ ગયો હોવાથી લોકમુખે આ સમસ્યા ચર્ચાઇ રહી છે. આમ તો ગામમાં કયારે અમુક મુદદે નહિવત મતમંતાતર પણ જોવા મળે છે.જોકે,ચુંટણી ટાંકણે મહદઅંશે ગામમાં શાંતિ પુર્ણ વાતાવરણ રહે છે.
ટીંબડી (તા. ખંભાળિયા )
ચૂંટણી આવે છે એટલે નેતાઓ વાયદા કરશે જ તેવા કટાક્ષ
ટીંબડી - ખંભાળિયા તાલુકાનુ 1300ની વસ્તી ધરાવતું ટીબડી ગામે ચૂંટણી જાહેર થતાં જ ગામના મુખ્ય વિસ્તારો સહિત વાડી ખેતરોએ પણ ચૂંટણીની ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યારે જ્યારે કોઈપણ ચૂંટણી આવે છે એટલે પક્ષો દ્વારા વિવિધ પ્રકારના વાયદાઓ કરવામાં છે તે અંગેની ચર્ચાઓ કરી અમુક ગ્રામજનો કટાક્ષ પણ કરી રહ્યા છે. બીજી બાજુ ચૂંટણીઓ આવતા જ ધીરે ધીરે ગરમાવો પણ જોર પકડશે. છેલ્લા દિવસોમાં ચૂંટણી સંબંધિત ચર્ચાઓ ચરમસીમા પર પહોંચે તેવું લાગી રહ્યું છે.
નંદાણા ( તા. ભાટિયા)
ગરમાવો ખરો, પણ ખૂલીને બોલવા કોઈ તૈયાર નથી: નવા ચહેરા મુદ્દે ચર્ચાઓનો દૌર...
નંદાણા - નંદાણા ગામે રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા ગુપ્ત વાર્તાલાપ સાથે મીટીંગોના ધમધમાટ સાથે ચુંટણીનો ગરમાવો ઘીરે ધીરે શરૂ થયો છે.મુખ્ય બે જ્ઞાતિની બહુમતિ વસ્તી ધરાવતા ગામમાં હાલ તો ખુલીને બોલવા માટે તૈયાર નથી.ત્યારે આગામી દિવસોમાં ચુંટણીલક્ષી ગરમાવો જોર પકડશે. ચૂંટણીમાં નવા ચહેરા મુદ્દે પણ ચર્ચાઓએ ચાલી રહી છે.
મોટા ગરેડિયા (તા ધ્રોલ)
વિકાસના કામોની હજુય ઝંખના,રાજકીય કાર્યકરોમાં ભારે સળવળાટ શરૂ થયો
વિધાન સભાની ચૂંટણીનો માહોલની ધીમે ધીમે જામવાની શરુઆત થઇ રહી છે. ગામના ચોરે અને ઠેર ઠેર ઓટલાઓ ઉપર ચુંટણીની ચર્ચાઓ થઇ રહી છે. જયારે રાજકીય પક્ષોનાં કાર્યકરોમાં ધીમે ધીમે સળવળાટ થઇ રહ્યો છે.કેટલાક સમયથી વિકાસનાં કામો થાયા ન હોઇ ગામના અમુક લોકો વિકાસના કામો ઝંખે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.