• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • When Will The Water Problem Due To River Pressure Be Solved? Residents Will Become A Block Canal For The Disposal Of This Rainwater: Corporator

સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા ભાસ્કરની પહેલ:નદીના દબાણોથી ભરાતા પાણીની સમસ્યા કયારે હલ થશે ? રહીશ આ વરસાદી પાણીના નિકાલ માટે બ્લોક કેનાલ બનશે : કોર્પોરેટર

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નં. 1 થી 4ના રહીશોએ પ્રશ્નોની ઝડી વરસાવી, પદાધિકારીઓએ સ્થળ પર જ આપ્યા ઉત્તરો
  • લોકોએ કહ્યું, સેન્ટ ઝેવિયર્સના વિદ્યાર્થીઓના વાહનો આડેધડ પાર્ક થાય છે, રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે, ભૂતિયા બંગલા પાસે કેરણના ઢગલા ઠલવાતા પરેશાની

જામનગરમાં લોકોના પ્રશ્નોને વાચા મળે અને શહેરીજનો તથા નગરસેવકો વચ્ચેનો સેતુ વધુ મજબૂત થાય તે માટે ભાસ્કર દ્વારા રૂબરૂ કાર્યક્રમ શરૂ કરાયો છે. તા. 10 જુલાઇ રવિવારે શહેરના ગાંધીનગર પાસે વિશ્વકર્મા બાગમાં વોર્ડ નં.1, 2,3,4 ના નગરસેવકો અને લોકોને એકમંચ પર લાવવા રૂબરૂ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરસેવકો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. રહેવાસીઓએ વોર્ડ અને વિસ્તારના પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી હતી.

વોર્ડ નં.1 થી 4 ના રૂબરૂ કાર્યક્રમમાં લોકોએ નદીમાં દબાણોને કારણે રામેશ્વરનગર, કે.પી.શાહની વાડી, પુનિતનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાથી દર વર્ષે નુકસાન થયાના પ્રશ્નો કર્યા હતાં. પટેલ કોલોની પાસેના વિસ્તારોમાં સેન્ટ ઝેવિયર્સના છાત્રો આડેધડ વાહનો પાર્ક કરતા હોવાથી ભારે હાલાકી પડતી હોવાનો પ્રશ્ન પણ લોકોએ ઉઠાવ્યો હતો. આટલું જ નહીં પટેલકોલોની વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા વધી હોવાનો પ્રશ્ન પણ કર્યો હતો.

વોર્ડના રહેવાસીઓના પ્રશ્નોના યોગ્ય જવાબ ઉપસ્થિત નગરસેવકોએ આપી વરસાદી પાણી ન ભરાય તે માટે બ્લોક કેનાલનું કામ ચાલુ હોવાનું અને અન્ય પ્રશ્નના નિવારણ માટે કાર્યવાહી કરવા તથા સબંધિત અધિકારીઓ અને વિભાગને રજૂઆત કરવાની ખાતરી પણ આપી હતી. રૂબરૂ કાર્યક્રમમાં નગરસેવક સુભાષ જોશી, જયરાજસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ ઝાલા, અલ્કાબા જાડેજા, પન્નાબેન કટારિયા, પરાગ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. જોકે, અમુક કોર્પોરેટરોએ પ્રજાની સમસ્યાના જવાબ નહી આપી શકાય તેવું લાગતા લોકોની સમક્ષ આવવાનું ટાળ્યું હતું.

3-3 મહિનાથી ગટરનું પાણી આવે છે
સુરેશભાઇ દવે, પટેલકોલોની
ઉકેલ : મહાનગરપાલિકના કારણે ગટરનું પાણી આવતું નથી. બિલ્ડરોએ જે તે સમયે પતરાની લાઇન નાંખી હોય સડી ગઇ છે. આથી મુખ્યલાઇન બદલાવી જરૂરી છે. આ અંગે રહેવાસીઓને જાણ કરી છે. પરંતુ હજુ સુધી કોઇ જવાબ મળ્યો નથી.

દર વર્ષે વરસાદી પાણી ભરાતા નુકસાન
ધીરેન ઓઝા, કે.પી.શાહની વાડી
ઉકેલ : કે.પી.શાહની વાડી સહિતના વિસ્તારોમાં આ સમસ્યા છે. પાણીના નિકાલ માટે ગાંધીનગર પાસે રૂ.1.87 લાખના ખર્ચે કેનાલ કરાવી છે. ડબલ લાઇનનું કામ ચાલુ છે. પ્રિ-મોન્સુન કામગીરીમાં દબાણ દૂર કરવામાં આવતા અને નવી કેનાલથી પ્રશ્ન ઉકેલાશે.

સ્ટ્રીટલાઇટના અભાવે ભારે હાલાકી
ગજેન્દ્રસિંહ જાડેજા, પુનિતનગર(ફોટા નં.03)
ઉકેલ : પુનિતનગર વિસ્તારમાં સ્ટ્રીટલાઇટના અભાવે રહેવાસીઓને મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદો મળી છે. 10 સ્ટ્રીટ લાઇટ માંગણી રહેવાસીઓ દ્રારા કરાઇ છે, જે તાકીદે ફાળવાશે. સ્ટ્રીટલાઇટનો પ્રશ્ન આગમી 15 થી 20 દિવસમાં ઉકેલવામાં આવશે.

મોમાઇનગરમાં લાયબ્રેરી નથી
હીતેન્દ્રસિંહ ચુડાસમા, મોમાઇનગર
ઉકેલ : મોમાઇનગર વિસ્તારમાં લાયબ્રેરી નથી. લાયબ્રેરી શરૂ કરવા કોમન પ્લોટ જોઇએ. તમારા ધ્યાનમાં કોઇ કોમન પ્લોટ હોય તો અમારૂં ધ્યાન દોરશો. આથી આ કોમન પ્લોટમાં લાયબ્રેરી શરૂ કરવા સંબધિત વિભાગને રજૂઆત કરવામાં આવશે.

પુનિતનગરમાં આંગણવાડીની સમસ્યા
અનિરૂધ્ધસિંહ જાડેજા, પુનિતનગર
ઉકેલ : આંગણવાડી દૂર હોવાથી પુનિતનગરના લોકોને રામેશ્વરનગર જવું પડે છે. આ સમસ્યા દૂર કરવા માટે હનુમાનજી મંદિર બાજુમાં આંગણવાડી શરૂ કરવામાં માટે દરખાસ્ત કરવામાં આવી છે. જે મંજૂર થતાં ટૂંક સમયમાં આંગણવાડીનું કામ શરૂ કરાશે.

શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે
શશીકાંત પંડ્યા, પટેલકોલોની
ઉકેલ : રખડતા ઢોરની સમસ્યા ફકત જામનગર શહેરમાં નહીં રાજયભરમાં છે. મહાનગરપાલિકાએ રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા પ્રયાસો કર્યા છે અને કરી રહી છે. ટૂંક સમયમાં શહેર ઢોર મુકત થાય તે માટે નક્કર પ્રયાસો કરવામાં આવશે.

કે.પી.શાહની વાડીમાં પાણી ભરાય છે
રાજેન્દ્ર ઓઝા, ગાયત્રીનગર
ઉકેલ : કે.પી.શાહની વાડીમાં વરસાદી પાણીના નિકાલ માટે મોટી પાઇપ લાઇન નંખાઇ છે. ભૂગર્ભ ગટરની લાઇનમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી. આ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી માટે દરખાસ્ત કરાવાઇ છે. આગામી વર્ષમાં મંજૂર થતાં આ કામ શરૂ કરવામાં આવશે.

કોન્ટ્રાકટરો કેરણ અહીં ઠાલવે છે
દિલીપભાઇ ભારથીયા, પટેલકોલોની
ઉકેલ : ખાનગી માલીકીની જગ્યામાં મોટો ખાડો હોય તેમાં પાણી ભરેલું હોય મનપા તે અંગે કંઇ કરી શકે નહીં. જો કે, આ બાબતે કલેકટર સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. કેરણ અહીં ન ઠલવાય તે માટે મહાપાલિકા દ્વારા પગલાં લેવામાં આવશે.

હાઉસીંગનું કામ હજુ પણ પેન્ડીંગ છે
જગદીશસિંહ વાળા, શાસ્ત્રીનગર
ઉકેલ : હાઉસીંગનું કામ હજુ પેન્ડીંગ છે. આથી મુશ્કેલી પડી રહી હોવાની રહેવાસીઓની રજૂઆત મળી છે. ટૂંક સમયમાં શાસ્ત્રીનગર અને મચ્છરનગર વિસ્તારમાં બ્લોક અને પાઇપલાઇનની કામગીરી શરૂ કરવામાં આવશે. આથી રહેવાસીઓની આ સમસ્યાનો કાયમ માટે ઉકેલ આવી જશે.

વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાય છે
શકિતસિંહ ઝાલા, પુનિતનગર
ઉકેલ : પુનિતનગર તેમજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જૂની છે. દર વર્ષે પાણી ભરાવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.આ માટે બોકસ કેનાલનું કામ ટૂંક સમયમા ચાલુ કરવામાં આવશે. આ વિસ્તારોમાં દબાણના કારણે પણ પાણી ભરાવાની સમસ્યા વધી છે.

ગંદકી, ટ્રાફીકની પારાવાર સમસ્યા
દર્શાંગીબેન પંડયા, પટેલકોલોની
ઉકેલ : ગાયત્રી સોસાયટીમાં ખાનગી માલીકીના મકાનમાં તોતીંગ વૃક્ષો આવેલા હોય તેમાં મનપા હસ્તક્ષેપ કરી શકે તેમ નથી. સેન્ટઝેવિયર્સ શાળાના વિધાર્થીઓના આડેધડ પાર્કિંગ અંગે પગલાં લેવા પ્રયાસ કરાશે. આ અંગે પોલીસ તેમજ સબંધિત વિભાગને પગલાં લેવા રજૂઆત કરવામાં આવશે.

શહેરમાં સીસી રોડ તૂટી ગયા છે
ભાવેશ કાનાણી, જૈન સોસાયટી
ઉકેલ : શહેરમાં પાઇપલાઇન સહિતની કામગીરીના કારણે સીસીરોડ તૂટી ગયા છે. આ માટે રસ્તા રી-કાર્પેટીંગ કરવા માટે રૂ.3 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આથી ટૂંક સમયમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે. આથી શહેરભરમાં પુન: નવા રોડ
થઇ જશે.

લોકજાગૃતિના કામમાં દિવ્યભાસ્કર હંમેશા અગ્રેસર: પૂર્વ મેયર
શહેરના પ્રશ્નોને વાચા આપવા અને લોક જાગૃતિના કાર્યક્રમમાં ભાસ્કર હંમેશા અગ્રેસર રહ્યું છે. દિવ્ય ભાસ્કર કમિશ્નર, કલેકટર કે કોઇપણ અધિકારીને સંબધિત વાત નિષ્પક્ષ અને સચોટ રીતે મૂકે છે તેમ રૂબરૂ કાર્યક્રમમાં ઉપસ્થિત મનપાના પૂર્વ મેયર દિનેશ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...