• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • What Can Be The Home Treatment When Something Gets Stuck In The Throat, Fracture In The Hand? NDRF Introduced The Equipment And Explained Its Use

જનજાગૃતિ કાર્યક્રમ:ગળામાં કોઇ ચીજ ફસાઈ જાય, હાથમાં ફ્રેક્ચર થાય ત્યારે ઘરગથ્થું સારવાર કેવી હોઈ શકે ? NDRFએ સાધનોનો પરિચય આપી ઉપયોગ સમજાવ્યો

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરની સરકારી પોલિટેકનિક કોલેજમાં એનડીઆરએફ દ્વારા કુદરતી આફતમાં રાહત કામગીરી અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
  • ભૂકંપ દરમિયાન લોકોએ બચાવ કરવા માટે રાખવી પડતી સાવચેતી અંગે માર્ગદર્શન આપ્યું
  • ઝેરી અને બિનઝેરી સાપની ઓળખ કેવી રીતે કરી શકાય તેની સમજ આપી

જામનગરમાં સરકારી પોલિટેકનિક કોલેજમાં એનડીઆરએફ દ્વારા કુદરતી આફતમાં રાહત બચાવની કામગીરી અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા વહીવટી તંત્ર અને એનડીઆરએફ 6 બટાલિયન વડોદરાની ટીમ દ્વારા કોલેજમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિવિધ કુદરતી આપત્તિઓના સમયમાં રાહત બચાવ કામગીરી, પ્રાથમિક સારવાર હતો.

આ કાર્યક્રમમાં એનડીઆરએફ સબ ઈન્સ્પેક્ટર વેદ પ્રકાશ, એએસઆઈ ટી.એસ. સોઢી અનેતેમની ટીમ. નાયબ મામલતદાર ડિઝાસ્ટર જામનગર સિટી રમેશભાઈ બંધીયા, સંસ્થાના આચાર્ય એ. કે. ઝાલા, તમામ ખાતાના વડાઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં એ.એમ. ભટ્ટે સ્વાગત પ્રવચન કર્યું હતું તે પછી સબ ઈન્સ્પેક્ટર વેદ પ્રકાશ એ તેમની એનડીઆરએફની ટીમની સ્થાપના, કાર્યક્ષેત્ર અંગે જાણકારી આપી હતી. અને વિવિધ આપત્તિઓના પ્રકારની માહિતી આપી અને તેમાં એનડીઆરએફની કામગીરી અંગે જાણકારી આપી હતી તેમજ એનડીઆરએફની ટીમ કેવી વિકટ પરિસ્થિતિમાં લોકોને કુદરતી હોનારતો જેવી કે પૂર, ભૂકંપ વગેરેમાં લોકોને પોતાના જીવનની પરવા કર્યા વગર બચાવકાર્ય કરતા હોય છે.

તેમના અનુભવો પરથી ભૂકંપ દરમિયાન લોકોએ બચાવ કરવા માટે રાખવી પડતી સાવચેતી અંગે માહિતી આપી હતી અને આ સંજોગોમાં પ્રાથમિક સારવાર આપવાની રીત પ્રત્યક્ષ નિદર્શન દ્વારા આપી હતી. હાથનું ફ્રેક્ચર થાય તે પરિસ્થિતિમાં કેવી રીતે ઘરગથ્થુ ચીજોનો ઉપયોગ કરી તેની સારવાર કરી શકાય તેનું નિદર્શન કર્યું હતું.

આ ઉપરાંત સીપીઆર (કાર્ડિયો પલ્મોનરી રિસ્ટેશન) દ્વારા મનુષ્યનો જીવ કેવી રીતે બચાવી શકાય છે. તેનું નિદર્શન કર્યું. આ સારવાર આપવા દરમિયાન 108 વાનને બોલાવવાની પણ સલાહ આપી હતી. કોઈ વ્યક્તિને ભોજન વખતે ગળામાં કોઈ ચીજ ફસાઈ જાય ત્યારે કઈ રીતે પ્રાથમિક સારવાર આપવી તે અંગે પણ જાણકારી અપાઈ હતી.

એનડીઆરએફ ટીમ દ્વારા બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનોનો પરિચય અને ઉપયોગ જણાવ્યો હતો. ઝેરી અને બિનઝેરી સાપની ઓળખ કેવી રીતે કરી શકાય તેની સમજ પણ વિદ્યાર્થીઓને આપી અને જણાવ્યું કે લોકો સાપના ઝેરથી નહીં પણ ડરથી વધુ મૃત્યુ પામે છે. તેમણે એવા કેટલાક લક્ષણો બતાવ્યા કે જેથી ઝેરી સાપને ઓળખી શકાય છે.

સાપ કરડે તે પરિસ્થિતિમાં ગભરાયા વગર યોગ્ય સારવાર લેવાની ખાસ સલાહ તેમણે આપી ટીમના જ એક સદસ્ય દ્વારા પૂરની પરિસ્થિતિમાં કેવી રીતે ઘરગથ્થુ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને પાણીમાંથી બચાવ કરી શકાય છે. તેની પ્રાયોગિક સમજૂતી આપી હતી. સંસ્થાના આચાર્ય એ. કે. ઝાલાએ એનડીઆરએફ ટીમની આફતો વચ્ચે બચાવ કામગીરીની પ્રશંસા કરી હતી અને વિદ્યાર્થીઓને આ અંગે જાગૃતતા કેળવવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં સંસ્થાના 300થી વધુ વિદ્યાર્થીઓએ અને સ્ટાફમિત્રોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...