ભાસ્કર નોલેજ:રોગપ્રતિકારક શક્તિ નબળી હાેય તેને જ બ્લેક ફંગસ થાય

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્લેક ફંગસ વિશે એ બધુ જ, જે તમે જાણવા માંગો છો

સોશિયલ મીડિયામાં આડેધડ ફોરવર્ડ થતાં મેસેજીસના લીધે હાલારમાં બ્લેક ફંગસના મામલે ગેરમાન્યતા અને અફવાઓએ જોર પકડયું છે, જેનાથી સમાજમાં ફેલાયેલા કાલ્પનિક ભય અને કિંવદંતીઓને દુર કરવા ભાસ્કરે વિશેષજ્ઞ ડો. ભાવેશ મહેતા (એમડી, ઇએનટી) સાથે પ્રશ્નોતરી કરી સાચી હકિકત બહાર લાવવા અહીં પ્રયાસ કર્યો છે.

સોશિયલ મીડિયા ગેરમાન્યતાઓ ફેલાવે છે, એના પર ધ્યાન આપવું નહીં
સવાલ : બ્લેક ફંગસ એટલે શું ?
જવાબ : બ્લેક ફંગસ એટલે મ્યુકર માઈકોસિસ. જેમાં નાકમાં સડાે થાય અને તે મેડિકલ ટેસ્ટ કરવાથી દેખાઇ આવે.
સવાલ : બ્લેક ફંગસના લક્ષણો કેવા હોય ? શું તે ચેપી છે ?
જવાબ : માથું દુ:ખવું, ચહેરાની બંને તરફ દુ:ખવું, આંખ અને નાકમાંથી લોહી નીકળવું વગેરે બ્લેક ફંગસના લક્ષણો છે, આ રોગ ચેપી નથી.
સવાલ : કોને થાય ? કોરોના ન થયો હોય એને પણ થઈ શકે ?
જવાબ : જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેને બ્લેક ફંગસ થઈ શકે છે. કોરોના ન થયો હોય તો પણ રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો તેવી વ્યકિતને આ રોગ થઈ શકે.
સવાલ : બ્લેક ફંગસથી બચવા માટે શું ધ્યાન રાખવું જોઇએ ?
જવાબ : આ રોગથી બચવાનો એક માત્ર ઈલાજ રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો છે.
સવાલ : બ્લેક ફંગસના લક્ષણો દેખાય તો શું કરવું ?
જવાબ : લક્ષણો દેખાય તો ડોક્ટર પાસે જવું જોઇએ અને જો બ્લેક ફંગસ હોય તો તેની સમયસર સારવાર કરાવવી જોઈએ.
સવાલ : હાલમાં દર્દીઓની સારવાર કેવી રીતે થઈ રહી છે ?
જવાબ : હાલમાં બે પ્રકારે સારવાર થઈ રહી છે, જે ભાગ સડી ગયો હોય તે ઓપરેશન દ્વારા કાઢી નાખવામાં આવે, બીજું ઈન્ફોટેનિસીન-બી નામના ઈન્જેક્શન 14 થી 28 દિવસ સુધી આપવામાં આવે. આ ઇન્જેકશન દર્દીને તેના વજન પ્રમાણે આપવામાં આવતા હોય છે.
સવાલ : કોરોના કરતા પણ બ્લેક ફંગસ વધુ ભયાનક છે ?
જવાબ : ચોક્કસ. આ રોગ એક પ્રકારે જોઇએ તો કોરોનાથી પણ વધુ ભયાનક છે એવું કહી શકાય.
સવાલ : બ્લેક ફંગસમાંથી સાજા થવાનો સ્ટેટ લેવલે રેશિયો કેટલો ?
જવાબ : સારો થવાનો રેશિયો કહી ન શકાય, પરંતુ દર્દીને સારૂં ઓપરેશન, ઈન્જેક્શન આપવામાં આવે એટલે તેનો સારો થવાનો રેશિયો આપોઆપ વધી જાય છે.
સવાલ : અસ્વચ્છ માસ્ક પહેરવાથી કે વાસી ખોરાક સુંઘવાથી થાય ?
જવાબ : ફક્ત રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેને જ થવાની શક્યતા મુખ્ય હોય છે, બાકી આવા ચિત્રવિચિત્ર મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા રહે છે તેના પર ધ્યાન દેવું નહીં.
સવાલ : બ્લેક ફંગસ શું ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના કારણે થયો છે ?
જવાબ : ના, બિલકુલ નહીં. ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના કારણે રોગ થયાનો કોઈ ઈસ્યુ જ નથી.

અન્ય સમાચારો પણ છે...