જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. હાલારનો ગ્રામીણ માહોલ ધીમે ધીમે પલટાવા માંડ્યો છે. વિવિધ ગામડાઓમાં પોતપોતાની તાસીર અને લાક્ષણિકતા મુજબ વાતાવરણ પલટાઈ રહ્યું છે. ક્યાંક ખાટલા બેઠકો શરૂ થઈ છે તો ક્યાંક ઓટલા પરિષદોનો ધમધમાટ ચાલુ થયો છે, ક્યાંક ચાય પે ચર્ચા છે તો કોઈક જગ્યાએ બસ સ્ટેન્ડમાં વડલાના ઓટલા પર બેઠા - બેઠા રાજકીય સમીકરણો વિચારાઈ રહ્યા છે. કોઈક ગામડામાં જોરદાર રાજકીય ગરમાવો છે તો વળી ક્યાંક વાતાવરણ નીરસ પણ છે. ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે આ અંગે ગ્રાઉન્ડ રિપોર્ટ શરૂ કર્યો છે. હાલારના કયા ગામડામાં ચૂંટણી સંદર્ભે કેવો માહોલ પ્રવર્તી રહ્યો છે એ તમને ઘરે બેઠા જણાવીશું.
ચાંપા બેરાજા (તા. જામનગર) અહીંયા રાજકીય ચર્ચા થાય છે પણ વિવાદ જરાય નથી, ગ્રામજનોના વિચાર સ્પષ્ટ છે
ચાંપા બેરાજા|જરૂરી સુવિધાઓના કામ થઈ ગયા હોવાથી અહીંના ગ્રામજનો સંતુષ્ટ છે. રાજકીય ચર્ચાઓ થાય છે પણ આંતરિક વિવાદ જરાય નથી, ગ્રામજનો કહે છે કયા પક્ષને મત આપવોનો છે એની અમને બધાને ખબર છે. સરપંચ રણજીતસિંહ દિલુભા જાડેજા કહે છે કે અમારા રોટલા થી કામ છે ટપ ટપ થી કાંઈ મતલબ નથી.
ધ્રોલ (તા. ધ્રોલ) ભાજપ-કોંગ્રેસ ફોર્મ ભરવા સાથે પહોંચતા ઉત્તેજના
ધ્રોલ|કાલાવડ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર બપોરે 12-25 કલાકે પોતાનુ ઉમેદવારી પત્ર રજૂ કરવા ધ્રોલ પ્રાંત કચેરીએ પહોંચ્યા ત્યારે ભાજપના ઉમેદવાર પણ 12 : 39 કલાકે ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા. ચૂંટણી અધિકારી સામે બંને ઉમેદવારો સાથે થઈ છતાં થોડી વાર માટે વાતાવરણમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.
મજોઠ (તા.ધ્રોલ ) રાજકીય પક્ષોની નીતિની ચર્ચા, પક્ષના મતદારોને કારણે માહોલ ગરમાયો
મજોઠ|ધ્રોલના 1400 ની વસ્તી ધરાવતા મજોઠ ગામે ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષોની નીતિની ચર્ચા ગ્રામજનો કરી રહ્યા છે. ગામમાં બને મુખ્ય પક્ષના મતદારો હોય રાજકીય માહોલ ગરમાયો છે. જોકે ગામમાં પીવાના અને સિંચાઈના પાણીની પૂરતી સગવડ હોય મોંઘવારી,આરોગ્ય સહિતના પ્રશ્નોની ચર્ચા તો ઉમેદવારો દ્વારા કરવામાં આવતા વાયદા પર ગ્રામજનો કટાક્ષ કરી રહ્યા છે.
મેમાણા ( તા. લાલપુર) આરોગ્ય અને રસ્તાના કામો વિધાનસભાની ચૂંટણીમાં અટવાઇ ન પડે તો સારું !
મેમાણા|લાલપુર પંથકમાં રાજકીય કાર્યકરો દોડતા થયા છે. સ્થાનિક રહેશો માને છે કે ગામમાં મોટાભાગે કોઈ સમસ્યા જ નથી. વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ ગામના ચોરા પર ચૂંટણીની અનેકવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આરોગ્ય રોડ અને રસ્તાના કામની મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અને ત્યાં જ ચૂંટણી આવી પડી. આ કામો લટકી ન પડે તો સારું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.
નાના ગરેડિયા (તા ધ્રોલ) મતદાન કરવું કે નહીં ? વિચારીને પછી નિર્ણય
નાના ગરેડીયા|ધ્રોલ તાલુકાના 1200ની વસ્તીવાળા નાના ગરેડીયા ગામમાં કોઈ સમસ્યા જ ન હોય અને શાંતિ રહેતી હોય ગામમાં ચૂંટણીનો માહોલ જોવા મળ્યો નથી, વળી અઢી દાયકા થી પણ વધુ સમયથી સરપંચની ચૂંટણી ન થતી હોય વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવું હશે તો કરીશું તેમ ગ્રામજનોમાં ચર્ચા ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.