હાલારમાં માગસરે અષાઢી માહોલ:ધ્રોલમાં રસ્તા પર પાણી વહ્યા, ખંભાળિયામાં જાણે ચોમાસુ બેઠું!

જામનગર,ખંભાળિયા,ધ્રોલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માવઠાનો માર|સતત બીજા દિવસે જામનગર-દ્વારકા જિલ્લામાં કમોસમી ઝાપટાથી ખેડુતો ચિંતિત, ઘાસચારાને નુકસાનની ખેડુતોને ભીતિ
  • મધરાતથી સવાર સુધી સમયાંતરે છુટાછવાયા ઝરમર ઝાપટા, હજુ 2 દિવસ માવઠાની આગાહી, લોકો દુવિધામાં સ્વેટર પહેરવું કે રેઇનકોટ…!

જામનગર સહિત્ હાલારના મોટા ભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી વચ્ચે કમૌસમી વરસાદી ઝાપટાઓ વરસ્યા હતા.ધ્રોલમાં જોરદાર ઝાપટા વરસતા રસ્તા પર પાણી વહ્યા હતા.હાલારના દશ પૈકી આઠ તાલુકામાં એકથી ચાર મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો.આ કમૌસમી વરસાદનાં કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે. ખેડૂતોનાં શિયાળુ પાકને મોટા પાયે નુકશાન થવાની ભીતી ઉભી થવા પામી છે. કમૌસમી વરસાદ બાદ રોગચાળાની પણ ભીતી ઉભી થઇ છે.

ધ્રોલ તાલુકામાં વરસાદી માહોલ બુધવાર સાંજે અને રાત્રે છાંટા પડ્યા હતા. ગુરુવારે વહેલી સવારે પણ હળવા ઝાપટા વરસતા શહેરના રસ્તા પર પાણી વહેતા થયા હતાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનાં છાંટા પડ્યા હતા.કમોસમી વરસાદથી ઘઉં, ચણા, રાયડો, જીરુ જેવા શિયાળુ પાકોને મોટુ નુકશાન થવાની ભીતી ઉભી થઇ છે. ખેડૂતોનાં ઉત્પાદનમાં ઘટાડો થવાની તેમજ કાઢેલો પાક બગડવાની સંભાવનાઓ ઉભી થઇ છે. આગાહીનાં પગલે સાવચેતી રુપે ધ્રોલ યાર્ડમાં પણ મુખ્ય એવા કપાસ અને મગફળી પાકોની આવક બંધ કરી દેવાઇ છે.

જામનગર શહેર,લાલપુર અને જોડીયા પંથકમાં પણ ઝરમર ઝાપટાઓ પડયા હતા.જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા,દ્વારકા સહિતના પંથકમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઝરમર વરસાદી ઝાપટા વરસ્યા હતા.કમૌસમી વરસાદના કારણે ખેડુતો પણ ચિંતિત બન્યા છે.કલ્યાણપુર,ભાણવડ અને દ્વારકા પંથકમાં સમયાંતરે હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.

માવઠાના કારણે કઈ રીતે કેટલું નુકસાન તે અંગેનો અંદાજ કાઢવા સૂચના: કૃષિ મંત્રી
ખારવા ગામે કાર્યક્રમમાં ઉપસ્થિત કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે બે દિવસ માવઠાની આગાહી છે. માવઠાના કારણે ખેડૂતોને કઇ રીતે અને કેટલુ નુકશાન થાય એ નુકશાનીનો અંદાજ કાઢવા કૃષિ વિભાગનાં અધિકારીઓને સુચના આપી હોવાનું જણાવ્યું હતું. સર્વે રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી ધરવામાં આવશે. > રાઘવજીભાઇ પટેલ, કૃષિમંત્રી, ગુજરાત.

કપાસ, જીરૂ, ઘઉં અને અન્ય પાકને માવઠાથી નુકસાન: ખેડુત
કપાસ, જીરુ, ઘઉં, રાયડો અને અન્ય પાકને માવઠાથી નુકશાન થયું છે. તેમજ ભુકો, ચરો તેમજ કઢેલો અન્ય પાક પણ વરસાદનાં કારણે પલળી ગયો છે. સરકાર આમાં મદદ કરે તો કાંઇક થાય તેમ છે. નહીંતર ખેડૂતોને મોટી નુકશાની વેઠવી પડશે. > શાંતિભાઇ પરમાર, ખેડૂત, ધ્રોલ.

અન્ય સમાચારો પણ છે...