જામનગરને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ:પૂર્વ રાજવી દિગ્વિજયસિંહજીના સન્માનમાં પોલેન્ડમાં વિવિધ કાર્યક્રમો યોજાયો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિગ્વિજયસિંહજીને પોલેન્ડમાં 'ધ ગુડ મહારાજા' તરીકે સંબોધવામાં આવે છે

દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના તત્કાલિન શાસક જામસાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાએ પોલેન્ડના હજારો નિરાશ્રિત બાળકોને બાલાચડીમાં આશ્રય અને શિક્ષણ આપ્યું હતું. પોલેન્ડ આ ઉપકાર આજ સુધી ભૂલ્યું નથી. ત્યારે પોલેન્ડમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં જામ સાહેબ દિગ્વિજયસિંહજીના સન્માનના વિશેષ કાર્યક્રમો યોજાયા હતાં.

જામસાહેબના પ્રતિનિધિ તરીકે ડો. પીયુષ માટલિયા ઉપસ્થિત રહ્યા
ભારત સરકાર દ્વારા ઈન્ડિયન કાઉન્સીલ ફોર કલ્ચરલ રિલેશનશીપ (આઈ.સી.સી.આર.) ના નેજા હેઠળ પોલેન્ડમાં 3 થી 8 જુલાઈ દરમિયાન જામ સાહેબ દિગ્વિજયસિંહજીના સન્માન અને સ્મૃતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જામસાહેબના પ્રતિનિધિ તરીકે જામનગરના આંખના સિનિયર ડો. પીયુષભાઈ માટલિયા તથા તેમના પુત્ર ડો. હિમાંશુ માટલિયા પોલેન્ડમાં આયોજીત કાર્યક્રમોમાં પોલેન્ડના ભારતીય રાજદૂત નગ્મા મલિક સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

પોલેન્ડની કૃતજ્ઞતા નિહાળી ગર્વની લાગણી અનુભવી
ડો. પીયુષ માટલિયા તથા ડો હિમાંશુ માટલિયાએ વિવિધ કાર્યક્રમોમાં પોલેન્ડના વિદેશમંત્રી, ગવર્નર, મેયર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી જામસાહેબ પ્રત્યેની પોલેન્ડની કૃતજ્ઞતા નિહાળી ગર્વની લાગણી અનુભવી હતી.

પોલેન્ડમાં ઈ.સ.1991 માં આરંભ થયેલી એક સ્કૂલના પેટ્રન તરીકે પણ દિગ્વિજયસિંહજીનું નામ રાખી તેમના પ્રત્યે અતૂલ્ય આદર અભિવ્યક્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ પોલેન્ડમાં 'ધ ગુડ મહારાજા' નામે ટ્રામ શરૂ કરવામાં આવી હતી. દિગ્વિજયસિંહજીને પોલેન્ડમાં 'ધ ગુડ મહારાજા' તરીકે સંબોધવામાં આવે છે. તેમના સન્માનથી જામનગરને ફરી એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ પ્રાપ્ત થયું છે.

અન્ય સમાચારો પણ છે...