• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Vaccination Of Adolescents Between The Ages Of 15 To 18 Years Will Start From Today In Jamnagar, Vaccination Will Be Given At More Than 300 Places.

રસીકરણ:જામનગરમાં આજથી 15 થી 18 વર્ષની વયના કિશોરોનું રસીકરણ શરૂ, 300થી વધુ સ્થળોએ રસી આપવામાં આવશે

જામનગર23 દિવસ પહેલા
  • જામનગર જિલ્લાના 48 હજાર જેટલા તરૂણોનું આજથી કોવિડ રસીકરણ શરૂ થયું
  • શહેરમાં 5 દિવસ સુધી ચાલશે રસીકરણ અભિયાન
  • શહેરના 23,521 ગ્રામ્યના 24,517 વિદ્યાર્થીઓને શાળા કોલેજોમાં કોવેક્સિન રસી અપાશે

જામનગરમાં આજે સરકાર દ્વારા જાહેર કરાયેલ મુજબ 15 થી 18 વર્ષની વયના સગીર-સગીરાઓને કોરોનાની કોવેક્સિન નામની વેક્સિન આપવાની ઝુંબેશ શરુ થઈ છે. જેમાં જિલ્લાના કુલ 48,017 વિધાર્થીઓને આવરી લેવા તંત્રએ લક્ષ્યાંક રાખ્યો છે. શહેરની 147 શૈક્ષણિક સંસ્થાઓ સહિત જિલ્લામાં કુલ 300 થી વધુ જગ્યાએ રસીકરણની વ્યવસ્થા ગોઠવાઈ ચુકી છે.

દેશમાં ચાલેલા રસીકરણના મહા અભિયાનમાં 18 વર્ષથી મોટી ઉંમરના જામનગર શહેરના 5.10 લાખ લોકો અને ગ્રામ્યમાં 6.86 લાખ લોકો મળીને કુલ 11.98 લાખ લોકોમાંથી શહેરમાં 99.16 ટકા અને ગ્રામ્યમાં 97 ટકા લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચુક્યો છે. બીજા ડોઝની કામગીરી પણ 80 ટકા ઉપર પહોંચી ચુકી છે. ત્યારે હવે શહેર- જિલ્લાના 15 થી 18 વર્ષની વયના કુલ 314 હાઈસ્કુલોના 18 વર્ષથી મોટા અને 17 કોલેજોના એફ.વાય.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આજ થી કોવિડ રસીકરણ ચાલુ થયું છે.

તેમજ શહેરમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 147 શૈક્ષણિક સંસ્થાઓમાં કુલ 23,521 વિદ્યાર્થીઓને કોરોનાની કોવેક્સિન રસી આપવા વ્યવસ્થા કરવામાં આવી છે. આ જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં 24,517 પણ વિદ્યાર્થીઓને વેક્સિન આપવા તમામ પીએચસી, સીએચસી અને સબસેન્ટરોના સ્ટાફને કામગીરી સોંપવામાં આવી છે. આમ જિલ્લામાં ઉંમર વર્ષ 15 થી 18 સુધીના હાઈસ્કુલના અને કોલેજના એફ. વાય. સુધીનું ભણી રહેલા કુલ 48,017 વિદ્યાર્થીઓને રસી આપવા તંત્રની કામગીરી આજથી શરુ કરાઈ છે.

જામનગર શહેર-જિલ્લામાં 38 સરકારી, 106 ગ્રાન્ટેડ અને 170 ખાનગી મળીને કુલ 314 હાઈસ્કુલો છે. શહેરમાં 13 અને ગ્રામ્ય વિસ્તારોમાં સિક્કા, જામજોઘપુરમાં એક એક અને ધ્રોલમાં બે કોલેજો છે. ભણતર છોડી ચુકેલા સગીર વયના રસી લેવાને પાત્ર હોય તેવા લોકો માટે જામનગર શહેરમાં આરોગ્ય કેન્દ્રો અને અમુક આંગણવાડીમાં તંત્રએ વ્યવસ્થા રાખી છે. આ જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગોઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...