જામનગરમાં એક લાખથી વધુ કામદારોને ઉપયોગી લાલપુર બાયપાસ ચોકડી પર ઓવર બ્રીજ બનાવવા ચેમ્બર ઓફ કોમર્સે મનપાના કમિશ્નર અને મેયરને રજૂઆત કરી છે. ઓવર બ્રીજના અભાવે ટ્રાફીક જામના કારણે મુશ્કેલી પડી રહી છે તો જીવલેણ અકસ્માતના બનાવ બની રહ્યાનું રજૂઆતમાં જણાવ્યું છે. ઉપરાંત ચોકડીથજી સમર્પણ સર્કલ સુધીના રોડ પર બંને બાજુ સર્વિસ રોડ બનાવવા માંગણી કરી છે.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સે રજૂઆતમાં જણાવ્યું છે કે, શહેરનો મુખ્ય ઉઘોગ બ્રાસપાર્ટનો છે. શહેરના શંકરટેકરી ઉધોગનગર તથા જીઆઇડીસી ફેસ-2 અને 3 માં 4000 જેટલા કારખાના કાર્યરત છે. ઉપરાંત નવા નવા ઇન્ડ્રસ્ટ્રીયલ પાર્ક પણ વિકસીત થતા આવે છે. આ કારખાનામાં એક લાખથી વધુ કામદારો કાર કરી રહ્યા છે. તેઓને કારખાનામાં જવા માટે લાલપુર બાયપાસ ચોકડી પરથી જવું પડે છે.
વધુમાં રાજકોટ તરફથી આવતા અને દ્રારકા તરફ જવા માટે એક જ બાયપાસ રોડ લાગુ પડે છે. આથી આ રોડ પર દિવસ દરમ્યાન ખૂબ ટ્રાફીક રહે છે. ખાસ કરીને કારીગરોના કારખાનામાં આવાગમન સમયે ટ્રાફીક જામ થાય છે અને જીવલેણ અકસ્માત પણ બને છે. આથી લાલપુર બાયપાસ ચોકડી પર ઓવરબ્રીજ બનાવવાથી ટ્રાફીકનું પ્રમાણ અને અકસ્માતના બનાવ ઘટશે. ઉપરાંત લાલપુર બાયપાસ ચોકડીથી સમર્પણ જતા પુલ આવેલો છે. આ માર્ગ ઓળગંવામાં ઘણી વખત અકસ્માત થાય છે. આથી બંને બાજુ સર્વિસ રોડ બનાવવા ચેમ્બર ઓફ કોમર્સે માંગણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.