પુત્ર સાથે હનુમાનજીનું એકમાત્ર મંદિર:સમુદ્રની વચ્ચે બિરાજતા દાંડીવાળા હનુમાનજી સાથે જોડાયેલી છે રોચક કથા, અહીં દરેક ભક્તોની મનોકામના થાય છે પૂર્ણ

જામનગરએક મહિનો પહેલા
  • ભાવિકોમાં આસ્થાનું પ્રતીક એવા આ મંદિરે દર વર્ષે હજારો ભાવિકો ઊમટી પડે છે
  • સુપ્રસિદ્ધ હનુમાન દાંડી મંદિરે હનુમાનજયંતી નિમિત્તે રામધૂન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો

ભારતના પશ્ચિમ છેવાડે અરબી સમુદ્રના કાંઠે બેટ દ્વારકાથી 5 કિ.મી દૂર પૂર્વમાં હનુમાનનું પુરાણું પ્રસિદ્ધ હનુમાન દાંડી મંદિર આવેલું છે. આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે, જ્યાં હનુમાનની સાથે સાથે તેના પુત્ર મકરધ્વજની પણ પૂજા કરવામાં આવે છે. ત્યારે સુપ્રસિદ્ધ હનુમાન દાંડી મંદિરે હનુમાનજયંતીના રોજ ધાર્મિક ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. એમાં હનુમાનજીનો પ્રાગટ્યો ઉત્સવ, નૂતન ધ્વજારોહણ, અન્નકૂટ મહોત્સવ તેમજ અખંડ રામધૂન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

બેટ દ્વારકા ટાપુ પર ભગવાન હનુમાનનું દાંડી મંદિર આવેલું છે. આ મંદિરમાં હનુમાન જયંતીના દિવસે ભક્તોનું ઘોડાપુર ઊમટે છે. આ સ્થળે હનુમાનજી પાતાળમાંથી રામચંદ્રજી અને લક્ષ્મણજીને લાવ્યા હતા. એવી હનુમાન દાંડીની પૌરાણિક માન્યતા છે. આ મંદિરમાં હનુમાનને સોપારીનો પ્રસાદ ધરાવવામાં આવે છે તેમજ અહીં હનુમાનની સાથે સાથે તેના પુત્રની પણ પૂજા કરવામાં આવે છે. હનુમાન અને તેના પુત્રની મૂર્તિઓનું સ્થાપન કરાયું છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે એમાં હનુમાન તેમજ તેમના પુત્ર મકરધ્વજની મૂર્તિમાં કોઈ શસ્ર નથી.

હનુમાન અને તેમના પુત્રનું પાતાળલોકમાં થયું હતું મિલન
પૌરાણિક માન્યતા મુજબ, અહિરાવણ શ્રીરામ અને લક્ષ્મણને દેવીની સમક્ષ બલિ ચઢાવવા માટે પાતાળમાં લઈ ગયા હતા. ત્યારે હનુમાનજી તેમને છોડાવવા માટે પાતાળમાં ગયા હતા. ત્યારે અહિરાવણના પહેરદાર હનુમાનનો પુત્ર મકરધ્વજ હતો. આ દરમિયાન બન્ને પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ થયું હતું. ત્યારે વચ્ચે માછલી આવી હતી અને હનુમાનજીને કહ્યું કે તમે કેમ આની સાથે યુદ્ધ કરો છો, આ તો તમારો જ પુત્ર છે. ત્યાર બાદ મકરધ્વજે પોતાની ઉત્પત્તિની કથા હનુમાનજીને સંભળાવી હતી. જેથી તેમણે અહિરાવણનો વધ કરી રામ અને લક્ષ્મણને મુક્ત કરાવ્યા હતા. શ્રીરામે મકરધ્વજને પાતાળ લોકના અધિપતિ નિયુક્ત કર્યા હતા અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી હતી.

મંદિરની મૂર્તિ સાથે જોડાયેલી છે અનોખી કથા
આ મંદિરમાં હનુમાનની મૂર્તિ વાનરરૂપ નહીં, પણ માનવરૂપ જેવી છે. એમાં હનુમાનજી પાસે કોઈ જ શસ્ત્ર નથી. લોકવાયકા મુજબ દર વર્ષે હનુમાન દાદાની મૂર્તિ એક ચોખાના દાણા જેટલી જમીનની અંદર જાય છે અને દર વર્ષે મકરધ્વજની મુર્તિ ચોખાના દાણા જેટલી બહાર આવે છે. ત્યારે લોકોનું કહેવું છે કે જ્યારે આ મૂર્તિ સંપૂર્ણ જમીનથી બહાર આવી જશે ત્યારે ફરી સતયુગની શરૂઆત થશે.

પ્રસાદમાં સોપારી ચડાવવામાં આવે છે
આ મંદિરમાં હનુમાનના ભક્તો પ્રસાદમાં સોપારી ચડાવે છે. એની પાછળ પણ એક માન્યતા એવી છે કે વર્ષો પહેલાં અહીંથી પસાર થનારા મોટા ભાગનાં વહાણોમાં સોપારીની નિકાસ થતી હોવાથી ખારવાઓ દર્શન કરવા આવે ત્યારે સોપારી ચડાવતા હતા. ત્યારથી લોકો હનુમાનજીને સોપારી ચડાવવા લાગ્યા છે. કહેવાય છે કે અહીં ચડાવવામાં આવેલી સોપારીનો પ્રસાદ ખાવાથી મહિલાઓને ડિલિવરીમાં તકલીફ ઓછી થાય છે. હાલ તો અહીં શ્રીમંત લોકો સોના અને ચાંદીની ચોપારી પણ ચડાવવા લાગ્યા છે.

હનુમાનજીને એક પુત્ર હતો, જેનું નામ છે મકરધ્વજ
હિન્દુ ધર્મમાં માનનારા લોકો જાણે છે કે હનુમાનજી બાલબ્રહ્મચારી હતા, પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે હનુમાનને એક પુત્ર હતો અને તેનું નામ મકરધ્વજ હતું. ધર્મશાસ્ત્રો પ્રમાણે, જે સમયે હનુમાનજી સીતાની ખોજમાં લંકા પહોચ્યા હતા ત્યારે તેમની પૂંછડીને લંકામાં સળગાવવામાં આવી હતી. આ દરમિયાન હનુમાનજીએ સમગ્ર લંકાને બાળી નાખી હતી. એ બાદ હનુમાનને તીવ્ર વેદના થતાં તેઓ સમુદ્રના જળથી પોતાની પૂંછડીની અગ્નિ શાંત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન હનુમાનજીના પસીનાનું એક ટીંપું પાણીમાં ટપક્યું હતું, જેને એક માછલીએ પી લીધું હતું. એ પસીનાના ટીપાથી એ માછલી ગર્ભવતી થઈ અને એણે એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ મકરધ્વજ હતું. તે પણ હનુમાનની જેમ જ મહાન પરાક્રમી અને તેજસ્વી હતો.

આ મંદિર વિશે એવી પણ માન્યતા છે કે આ એ જ સ્થાન છે, જ્યાં હનુમાનજી પ્રથમ વખત પોતાના પુત્ર મકરધ્વજને મળ્યા હતા. મંદિરની અંદર પ્રવેશતાં જ હનુમાન પુત્ર મકરધ્વજની મૂર્તિ છે અને પાસે જ હનુમાનની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. આમ તો આપણે હનુમાનજીની કોઈપણ મૂર્તિ જોઈ તેમાં તેમની સાથે સાથે તેમનું શસ્ત્ર ગદા હોય છે, પરંતુ આ એકમાત્ર એવું મંદિર છે, જ્યાં હનુમાી તેમજ તેમના પુત્ર મકરધ્વજની મૂર્તિમાં કોઈ જ શસ્ર નથી.

આજે હનુમાનજયંતીના દિવસે હનુમાન દાંડી મંદિરે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે અખંડ રામધૂન સહિત ત્રિદિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારથી જ અખંડ રામધૂન શરૂ થઈ ગઈ છે. આજે હનુમાનજયંતીના દિવસે સવારે 6.30 કલાકે હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ સાથે મંગળા આરતી બાદ નિત્ય આરતી તથા નૂતન ધ્વજારોહણ તેમજ અન્નકોટ દર્શન મનોરથનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો માટે સમૂહ પ્રસાદનું પણ આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...