જામનગર જિલ્લામાં ટેકસટાઇલ, હેન્ડલુમ તથા હેંડીક્રાફ્ટ ઉદ્યોગને વેગ મળે તેમજ જામનગરના ઉપરોક્ત ઉદ્યોગો સાથે સંકળાયેલ કારીગરોને કેન્દ્ર સરકારની યોજનાઓનો સંપૂર્ણ લાભ મળે તે હેતુથી કેન્દ્ર સરકારના રેલવે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
બેઠકમાં મંત્રીએ કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા કારીગરોને અપાતાં આર્ટીસન કાર્ડ, સમર્થ સ્કીમ હેઠળ કારીગરોને અપાતી તાલીમ અને લાભો વગેરે બાબતે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે જામનગરના વધુમાં વધુ કારીગરો સમર્થ સ્કીમ હેઠળ તાલીમ મેળવે અને પોતાનું કૌશલ્ય વિકસિત કરે.મંત્રીએ હેન્ડલુમ, હેંડીક્રાફ્ટ અને ટેકસટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલ કારીગરોને કેન્દ્ર સરકારની યોજનાઓના મહત્તમ લાભો પહોંચે તે અંગે પણ આયોજનો સુનિશ્ચિત કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જ્યારે જામનગરની બાંધણીને પણ પાટણના પાટોળાની જેમ જ વૈશ્વિક કક્ષાનું પ્લેટફોર્મ મળે તે દિશામાં કામગીરી હાથ ધરવા ઉપસ્થિત સૌ કોઈને સૂચન કર્યું હતું.
બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, અધિક કલેક્ટર બી.એન.ખેર, હેંડીક્રાફ્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રવીવિર ચૌધરી, ટેકસટાઇલ કમિશ્નરના નાયબ નિયામક સૌરભ સિન્હા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જામનગરના જનરલ મેનેજર પી.બી.પટેલ તથા શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા સહિતના અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.