કથામાં પોથી મૂકવાના નામે ઠગાઇ:હરિદ્વાર લઇ જવાના બહાને બે લોકોએ છેતરપિંડી આચરી, જામનગર-રાજકોટના 1 હજારથી વધુ લોકો પાસેથી રૂ. 3100 ઉઘરાવ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંન્ને વ્યક્તિઓ હરિદ્વાર નહોતા લઇ ગયા અને ટ્રેઇન બંધ હોવાનું જણાવ્યું હતું
  • પોલીસે સંપર્ક કરતાં આરોપીઓએ પૈસા પરત કરવાની તૈયારી બતાવી
  • રાજકોટ-જામગરમાં વ્યક્તિદીઠ રૂા. 3100ના ઉઘરાણા, પોલીસે અરજી લઇ તપાસ હાથ ધરી

હરિદ્વારમાં ભાગવત સપ્તાહમાં પોથી મુકવા અને સપ્તાહનો લાભ લેવાના બહાને જામનગરની એક મહિલા અને રાજકોટના એક શખ્સે 1 હજારથી વધુ લોકો પાસેથી ઉઘરાણા કરી છેતરપિંડી આચરતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. હતો. આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા આ પ્રકરણમાં આરોપીઓએ પૈસા પરત કરવાની તૈયારી બતાવી છે.

આ અંગેની પ્રાપ્ત થતી વિગતોનુસાર રાજકોટના એક અને જામનગરના સ્વામીનારાયણનગરના રહેવાસી ભાનુબેન નામની મહિલાએ જામનગર અને રાજકોટના 1000થી વધુ લોકોને હરિદ્વારમાં ભાગવત સપ્તાહમાં પોથી મુકવા અને સપ્તાહનો લાભ લેવા માટે વ્યક્તિ દીઠ રૂા. 3100ના ઉઘરાણા કર્યા હતા. તેમજ હરિદ્વાર લઇ જવાનો સમય આવતા બંન્ને વ્યક્તિઓ લઇ ગયા નહોતા અને ટ્રેઇન બંધ હોવાનું જણાવી દીધું હતું.

બાદમાં જામનગરમાં લોકોને બંને ધર્મના નામે છેતરી ગયા હોવાની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં એસ.પી.કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ પોલીસ સમક્ષ રજૂઆત ન થઇ શકતાં બપોર બાદ ભોગ બનેલા લોકોનું મોટું ટોળું સીટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યું હતું. જ્યાં પી.આઇ. જે .કે.ભોયે લોકોને સમજાવ્યા હતા અને છેતરપીંડી કરનારા મહિલા અને પુરૂષનો સંપર્ક કર્યો હતો. જેમાં રાજકોટના શખ્સે પૈસા પરત કરવાની તૈયારી બતાવી હતી. જેથી પોલીસે હાલ રજૂઆત કરવા આવેલા ભોગગ્રસ્તોની અરજી પરથી ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...