જામનગરમાં વિધાનસભાની ચૂંટણીને લઈ અલગ-અલગ વિસ્તારમાં ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. ત્યારે શહેરમાં વ્હોરાના હજીરા પાસે ઊભી કરાયેલ ચેકપોસ્ટ પાસેથી રાત્રિના સમયમાં એક કારમાંથી રૂપિયા 24 લાખથી વધુની રોકડ રકમ મળી આવી હતી. આ કારમાં બે શખ્સો સવાર હતા.
ચેકિંગ દરમિયાન રોકડ રકમ ઝડપાઇ
જામનગરમાં ચૂંટણીના પ્રચારના પડઘમ શરૂ થતાની સાથે એસઓજી પોલીસ દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે જામનગર શહેરના વ્હોરાના હજીરા પાસેથી એક મોટર કારમાંથી રૂપિયા 24 લાખથી વધુની રોકડ રકમ મળી આવતા ચૂંટણી અધિકારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. 24 લાખથી વધુની રોકડ રકમ સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે.
ખાનગી કંપનીના કર્મચારીઓ મોટર કારમાં સવાર હોવાની શક્યતા
જામનગરની વિધાનસભાની ઉત્તર બેઠક પર 24 લાખ જેટલી માતબર રકમ મળી આવતા ચૂંટણી પંચની ટીમ દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાનગી કંપનીના કર્મચારીઓ મોટર કારમાં સવાર હોવાની શક્યતા સેવાઈ રહી છે. શહેરના વ્હોરના હજીરા પાસેથી રોકડ રકમ સહિત કારને કબજે કરવામાં આવી છે. તેમજ બીજી તરફ રોકડ રકમ અંગેની ખરાઈ કરવા આવક વિભાગ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ઓબઝર્વર અને પોલીસ સહિતની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.