લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં એસ.ઓ.જી. શાખાની ટુકડીએ દરોડો પાડી કોઈપણ પ્રકારની ડિગ્રી વગર ગેરકાયદે મેડીકલ પ્રેક્ટિસ કરી રહેલા માત્ર 12 ધોરણ પાસ એવા બે બોગસ તબીબોને પકડી પાડયા છે, અને તેઓ સામે મેઘપર પોલીસ મથકમાં ગુનો નોંધવ્યો છે.
આ દરોડાની વિગત એવી છે લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં બોગસ તબીબો દ્વારા ગેરકાયદે રીતે દવાખાનું શરુ કરી દઈ કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં પણ દવાખાનું ચાલુ રાખી ગરીબ દર્દીઓ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી. શાખાની ટુક્ડીએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન આવા બે અનઅધિકૃત દવાખાનાઓ મળી આવ્યા હતા.
સૌ પ્રથમ એક દવાખાને જઈને તબીબી પ્રેક્ટિસ કરી રહેલા શખ્સનું નામ પુછતા પોતાનું નામ તુષારકાંતિ ગોપાલચંદ્ર અધિકારી (49) અને મૂળ પશ્ચિમ બંગાળનો વતની હોવાનું અને હાલ કાનાલુસમાં ભાડાના મકાનમાં રહીને છેલ્લા એકાદ વર્ષથી દવાખાનુ ચલાવતો હોવાનું જણાવ્યું હતું. પોતે માત્ર 12 ધોરણ પાસ હોવા છતાં અને કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં મેડીકલ પ્રેક્ટિસ કરતો હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હોવાથી તેના દવાખાનામાંથી તબીબી પ્રેક્ટિસ ને લગતા સાધનો અને દવાનો જથ્થો વગેરે કબજો કરી લીધો હતો અને તેની સામે મેઘપર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
બીજો દરોડો કાનાલુસ ગામમાંજ પાડયો હતો, અને અન્ય સ્થળે દવાખાનુ ચલાવી રહેલા એક શખ્સનું નામ પુછતાં તેણે પોતાનું નામ ક્રિષ્ના શિરિષ દેવરી (ઉમર વર્ષ 24) અને તે પણ મૂળ પશ્ચિમ બંગાળનો વતની હોવાનું જણાવ્યું હતું, અને છેલ્લા એકાદ વર્ષથી પોતે દવાખાનુ ચલાવતો હતો. જેની પાસે પણ કોઈપણ ડિગ્રીના હતી, અને માત્ર 12 ધોરણ પાસ હોવાનું જાણવા મળ્યું હતું.જેના દવાખાનામાંથી પણ દવા વગેરે સામગ્રી કબજે કરી લેવામાં આવી છે, અને તેની સામે પણ મેઘપર પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.