ભરતી પ્રકિયામાં બેદરકારી:જામનગર મહાનગરપાલિકાના નર્સિંગ સ્ટાફની ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોના બેવાર નામ આવતા હોબાળો

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકાને ભૂલ સમજાતા તાત્કાલિક લીસ્ટ પાછું ખેંચી સુધારવાની કાર્યવાહી હાથ ધરી : અગાઉ ભરતી વખતે છબરડો થયો હતો

જામનગર મહાનગરપાલિકામાં મલ્ટી પર્પસ હેલ્થ વર્કર એટલે કે નર્સિંગ સ્ટાફની ભરતીને પહેલેથી જ જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ અગાઉ મેરીટ લીસ્ટમાં માર્ક વધી ગયા હતા જે બાબતે ભારે હોબાળો થયા બાદ સુધારો થયો હતો. હવે આની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ લીસ્ટમાં એક જ ઉમેદવારના બબ્બે વાર નામ આવતા હોબાળો મચી જવા પામ્યો છે. તંત્ર જો કે, આને પ્રિન્ટીંગ મીસ્ટેક ગણે છે. આ બાબતે હોબાળો થયા બાદ તેને સુધારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા 70 જેટલા મલ્ટી પર્પસ હેલ્થ વર્કરની જગ્યા ભરવા માટે ભરતી કરવામાં આવી હતી. પ્રથમ મેરીટ લીસ્ટમાં માર્કના ગોટાળા થયા હતા જેના કારણે હોબાળો મચ્યો હતો અને બાદમાં તેને સુધારી લેવામાં આવ્યું હતું અને એજન્સીને નોટિસ આપવામાં આવી હતી.

ત્યારબાદ હવે જ્યારે પરીક્ષાઓના પરિણામ જાહેર થયા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લીસ્ટ જાહેર થયું તેમાં બે ઉમેદવારો ચેતનકુમાર હિમતલાલ સોલંકી, શૈલેષકુમાર મથુરભાઈ ડાભી નામના ઉમેદવારોના બેવાર લીસ્ટમાં નામ આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. મહાપાલિકાને પણ પોતાની ભૂલ સમજાતા તાત્કાલિક લીસ્ટ પાછું ખેંચી અને સુધારેલું લીસ્ટ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ ભૂલથી મહાનગરપાલિકામાં ભરતી પ્રક્રિયામાં પણ કેટલીક બેદરકારી દાખવવામાં આવી રહી છે તે સામે આવ્યું છે.

લીસ્ટ જાહેર થતાની સાથે ઉમેદવારોના બે-બે વખત નામ આવ્યાના પગલે છબરડો થયો હાેવાનું માનીને ઉમદવારોમાં ભારે હાેબાળો મચી જવા પામ્યો હતો અને તંત્રને પણ આની ગંભીરતાને ધ્યાને લઇને તાત્કાલિક પોતાની ભુલને સુધારી લીધી અને ઉમેદવારોને કોપી પેસ્ટની ભુલ હોવાનું જણાવીને આખો મામલો ઠંડો પાડી દીધો હતો, આ ઘટનાના પગલે થોડા સમય માટે મહાનગરપાલિકામાં ચકચાર જાગી હતી.

પ્રિન્ટીંગ મીસ્ટેક હતી, સુધારી લેવાઈ: ડીએમસી
મલ્ટી પર્પસ હેલ્થ વર્કરના લીસ્ટમાં ઉમેદવારના નામ બેવાર આવ્યા તે પ્રિન્ટીંગ મીસ્ટેક હતી તેમાં ઓપરેટર દ્વારા કોપી-પેસ્ટની ભૂલ થઈ છે. બાકી જે ઉમેદવારો સીલેક્ટ થયા છે એ લીસ્ટ તો બરાબર જ છે તેમાં કોઈ ફેરફાર નથી.> એ.કે. વસ્તાણી, ડીએમસી, જામ્યુકો.

અન્ય સમાચારો પણ છે...