રોફ જમાવવો મોંઘો પડ્યો:જામનગર શહેરમાં TRB જવાને વાહનચાલક સાથે બોલાચાલી કરી ફડાકો ઝીંકી દીધો, વીડિયો વાઇરલ થતાં જવાનને ફરજ મુક્ત કરાયો

જામનગર2 મહિનો પહેલા
  • દિવ્યાંગ વાહનચાલક અને ટીઆરબી જવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ગુસ્સે ભરાયેલા જવાને ફડાકો ઝીંકી દીધો
  • વાહનચાલકનો વાંક હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે ફડાકો મારતા ચકચાર

જામનગર સહિત ગુજરાતના મોટા શહેરમાં ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ જવાનો ઉપરાંત ટ્રાફિક બ્રિગેડ હેઠલ જવાનોની ભરતી કરવામાં આવી છે. આ જવાનો સામે અનેક શહેરોમાં અવારનવાર ફરિયાદો ઉઠતી રહેતી હોય છે. ત્યારે આજે જામનગરમાં એક ટ્રાફિક બ્રિગેડના જવાનની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. શહેરના નાગનાથ ગેટ પાસે ફરજ બજાવી રહેલા જવાને એક દિવ્યાંગ વાહનચાલક સાથે કોઈ કારણોસર ઉગ્ર બોલાચાલી કર્યા બાદ જાહેરમાં ફડાકો ઝીંકી દેતા વાહનચાલકો ચોંકી ઉઠ્યા હતા. કોઈ વાહનચાલકે સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી વાઈરલ કર્યો હતો. જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલીક જવાનને ફરજ મુક્ત કરી દેવાયો છે.

શું છે વાઈરલ વીડિયોમાં?
સોશિયલ મીડિયામાં હાલ જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તે જામનગર શહેરના નાગનાથ ગેટ પાસેનો છે. અહીં ફરજ બજાવી રહેલા ટ્રાફિક બ્રિગેડના જવાન અને એક દિવ્યાંગ વાહનચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી જોવા મળી રહી છે. ત્યારબાદ ગુસ્સે ભરાયેલો ટ્રાફિક બ્રિગેડનો જવાન જોરથી એક ફડાકો ઝીંકતો નજરે પડી રહ્યો છે. ત્યારબાદ અન્ય વાહનચાલકો ઉભા રહી જાય છે અને દિવ્યાંગ વાહનચાલકને કહી રહ્યા છે કે, તેમને વીડિયો બનાવી લીધો છે.

ફડાકો મારનારા TRB જવાનને ફરજ મુક્ત કરાયો
વાઈરલ વીડિયો મામલે દિવ્ય ભાસ્કરે જામનગર ટ્રાફિક વિભાગના PI વાય.જે.વાઘેલા સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, વીડિયો વાઈરલ થયા બાદ જવાનને ફરજમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. આ મામલે ફરિયાદી ફરિયાદ કરે ત્યારબાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે. TRB જવાનનું નામ દશરથસિંહ વાઢેર હોવાનું જાણવા મળ્યું છે.

વાહનચાલક સામે કાર્યવાહીના બદલે ફડાકો માર્યો
આ બનાવમાં જે વાહનચાલક છે તે દિવ્યાંગ છે. જો વાહનચાલક દ્વારા કાયદાનો ભંગ કરાયો હોય તો TRBના જવાન દ્વારા નિયમ મુજબ વાહનચાલક સામે કાર્યવાહી કરવાની જરુર હતી. તે કરવાના બદલે ગુસ્સે થઈ ફડાકો ઝીંકી દેતા ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...