ઘરફોડ ચોરી:જામનગર શહેરમાં નવા વર્ષના પ્રારંભે તસ્કરોએ બોણી કરી, ત્રણ મકાનોને નિશાન બનાવ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર લાલપુર બાયપાસ રોડ નજીક આવેલી જયોતિપાર્ક- 2 સોસાયટીમાં ગઈ મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને ત્રણ મકાનોને નિશાન બનાવી નવા વર્ષની બોણી કરી છે. એક મકાનમાલિક જાગી જતાં હથિયારો સાથે ચોરી કરવા આવેલા ત્રણ તસ્કરો ભાગી છૂટ્યા હતા. સમગ્ર મામલે પંચકોશી બી ડિવિઝનનો પોલીસ સ્ટાફ દોડતો થયો છે.

ચોરીના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાલપુર બાયપાસથી કાલાવડ બાયપાસ તરફે જવાના માર્ગે જયોતિપાર્ક-૨ સસાયટીમાં ગઈકાલે મોડી રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં તસ્કરોના પરોણા થયા હતા અને બાજુબાજુમાં આવેલા એકીસાથે ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી લીધા હતા. ચોરી કરવા આવેલા ત્રણ શખ્સોએ સૌપ્રથમ એક બંધ રહેણાંક મકાનને નિશાન બનાવ્યું હતું અને અંદર માલ સામાન રફેદફે કરી નાખ્યો હતો. જે મકાન માલિક બહારગામ ગયો હોવાથી શું ચોરાઈ ગયું છે તે જાણી શકાયું નથી ત્યારબાદ બાજુમાં જ આવેલા અન્ય બે રહેણાંક મકાનો, કે જેમાં બંને મકાનના માલિકો પ્રથમ માળે હતા, જે દરમિયાન નીચેના મકાનના કબાટ સહિતના માલસામાનને રફેદફે કરી નાખ્યો હતો. એક મકાનમાંથી 35થી 40 હજારની રોકડ રકમની ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે, જયારે ત્રીજા મકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કરતાં અવાજ થયો હોવાથી મકાન માલિક જાગી ગયા હતો અને બુમાબુમ કરતાં ત્રણેય તસ્કરો પોતાના હથિયારો સાથે ભાગી ગયા હતા. મોડી રાત્રે જ પોલીસને જાણ કરાતાં સૌ પ્રથમ પોલીસવેન ઘટના સ્થળે આવી પહોંચી હતી. પરંતુ તસ્કરો ભાગી છૂટયા હોવાથી તેઓને પકડવા માટે પોલીસ તંત્ર દોડધામ કરી રહ્યું છે. જયારે ત્રણેય મકાનમાંથી શું ચોરી થઈ છે, તે દિશામાં પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...