મુલાકાત:નરેશ પટેલના ખોડલધામના પંચમ પાટોત્સવ માટે રાજ્યભરમાં પ્રવાસો, જામનગરમાં ગઈકાલે ઉષ્માભેર ભવ્ય સ્વાગત કરાયું

જામનગર17 દિવસ પહેલા
  • કાર્યક્રમ મિસાલ બની રહે એમ તમામ પાટીદારને વહેલાસર કાગવડ પધારવા હાકલ કરી
  • ખોડલધામ મંદિર નથી એક ‘વિચાર’ છે : નરેશ પટેલ
  • આગામી સમયમાં 50 એકરમાં શિક્ષણધામ અને આરોગ્ય સુવિધાઓ ઉભી કરાશે : નરેશ પટેલ

ખોડલધામ ટ્રસ્ટના સર્વેસર્વા નરેશ પટેલ ગઈકાલે મંગળવારે જામનગર સહિત જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. ખોડલધામના દસ વર્ષ થયાનો ભવ્ય પંચમ પાટોત્સવ પ્રસંગની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સામાજિક એકતા વધે અને સંગઠનાત્મક ભાવ પ્રબળ બને એવા હેતુથી પાટોત્સવ પ્રસંગની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

આગામી તા. 21મી જાન્યુઆરીના રોજ કાગવડના ખોડલધામ ખાતે ભવ્ય પંચમ પાટોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સંગઠનાત્મક જોમ વધુ મજબૂત કરવા હાલ નરેશ પટેલ રાજ્યભરમાં પ્રવાસો કરી કાર્યક્રમમાં મહેમાન બનવા આમંત્રણ પાઠવી રહ્યા છે. જેના અંતર્ગત તેમણે ગઈકાલે જામનગર જિલ્લાનો પ્રવાસ કર્યો હતો.

આ મુલાકાતને પગલે કાલાવડ અને જામનગર સહિતના શહેરોમાં પાટીદાર સમાજ દ્વારા અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર ખાતેના સમારંભમાં સમાજને આમંત્રણ આપતા તેમણે કહ્યું હતું કે ખોડલધામ એ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી પણ એક વિચાર છે. આગામી સમયમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે મોડેલ સંકુલ વિકસાવવાની વાત તેમણે કહી હતી.

આ ઉપરાંત સરદાર પટેલના ત્રણ મુખ્ય સૂત્ર, ઘરની વાત ઘરમાં રાખજો, સિંહ જેવું કાળજું રાખજો અને સાચું કહેવાની હિંમત રાખજો એમ કહી સંગઠનાત્મક એકતા રાખવા આહ્વાન કર્યું હતું. આગામી કાર્યક્રમ મિસાલ બની રહે એમ તમામ પાટીદારે વહેલાસર કાગવડ પધારવા તેમણે હાકલ કરી હતી. જામનગર ખાતે તમામ પાટીદાર સંગઠનોએ નરેશ પટેલનું સન્માન કર્યું હતું.

તેમણે 2015ના સમૂહ લગ્નને યાદ કરતાં જણાવ્યું હતું કે ,"તમને બધાને યાદ છે વર્ષ 2015માં સૌથી મોટો સમૂહ લગ્ન યોજાયો હતો. જેમાં 521 દીકરા-દીકરીઓ હતા. જેમાં વહેલી સવારે બે વાગે જાનનું આગમન થયું હતું. તેમજ 521 જાનોનું વ્યવસ્થાપૂર્વકનું આયોજન એક અભૂતપૂર્વ મેનેજમેન્ટ હતું. માં ખોડલની પ્રાણ-પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પુરા થયા છે. ત્યારે આખા ગુજરાતમાં આમંત્રણ આપવાનો આ પ્રવાસ ચાલુ કર્યો છે. ત્યારે ખૂબ મોટી મેદની વચ્ચે સભા થઈ છે અને જામનગરની ટીમે બહુ સારું આયોજન કર્યું છે" એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...