વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સર્વે મુજબ તમાકુના સેવનથી વિશ્વમાં દર વર્ષે 50 થી 60 લાખ વ્યક્તિઓ તો ભારતમાં દર વર્ષે 13 થી 14 લાખ એટલે કે રોજના 3800 થી 4000 વ્યક્તિઓ મોતને ભેટે છે. એટલે કે તમાકુના સેવનથી દર મિનિટે 3 વ્યક્તિના મોત થાય છે. મોઢાનું કેન્સર થવાના કારણોમાં આશરે 90 ટકા તમાકુ જ જવાબદાર હોય છે. જો સમયસર તમાકુ મૂકી દેવામાં આવે તો જીંદગીના 10 વર્ષ વધી શકે છે.
31 મેના વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ તકે જામનગરની સરકારી ડેન્ટલ કોલજ અને હોસ્પીટલમાં પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રી વિભાગ દ્વારા તમાકુના વ્યસનથી થતી ગંભીર અસરો અને વ્યસનમુક્તિ માટે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. કેન્સરથી રોગમુક્તિ અને તંદુરસ્ત જીવન વિષય પર ઇલાબેન વોરાએ માર્ગદર્શન આપ્યું હતું.
હોસ્પીટલમાં આવતા દર્દીઓ માટે તમાકુને લગતા ચિત્રાત્મક પોસ્ટર્સ, મોડેલ્સ, અને વિવિધ બેનર્સનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું. ઉપરાંત એક નાટકનું આયોજન કરાયું હતું જેનો 300 લોકોએ લાભ લીધો હતો. મોટી ખાવડીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઓરલ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પમાં લોકોને તમાકુ દ્વારા થતાં કેન્સર અને તમાકુની અન્ય અંગો પર થતી અસરોથી માહિતગાર કરાયા હતાં. ત્યારબાદ મો ની તપાસ અને તે અનુસાર જરૂરી સારવારની માહિતી આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.