વિફરેલા પિતા-પુત્રએ પોલીસ પર કાર ચઢાવી:દુકાનમાં ઘૂસી તોડફોડ કરી વેપારીને ફટકાર્યા, પકડવા ગયેલી પોલીસને પણ ના છોડી, બાપ-દીકરા પર એક નહીં અનેક ફરિયાદો

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં વિફરેલા પિતા- પુત્રએ આંતક મચાવ્યો હતો. એક વેપારીની દુકાનમાં જઈ તોડફોડ કરી લાકડાના ધોકાથી ફટકાર્યા હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત એક વિદ્યાર્થી અને એક શ્રમિક યુવાનને પણ માર માર્યો હતો અને તોડફોડ કરી હતી. ત્યારે આ ત્રણ અલગ-અલગ ગુનાઓ સીટી સી. ડિવિઝન પોલીસમાં નોંધાયા હતા. જે બનાવ પછી આરોપીઓને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર પણ પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ કાર ચડાવી દીધી હતી. જેથી એક પોલીસકર્મીનો પગ ભાંગી ગયો હતો.

મજૂરને તેમજ વેપારીને પણ મારમાર્યો
શહેરના ભક્તિનગર વિસ્તારમાં રહેતા હરેશભાઈ વસંતભાઈ ડાંગરિયા, કે જેઓ પણ રવિ પાર્ક વિસ્તારમાં મજૂરી કામ અર્થે ગયા હતા, દરમિયાન તેને અટકાવીને આરોપી સંજય કાનાભાઈ ભૂતિયા અને તેના પિતા કાના ભૂતિયાએ લાકડાના ધોકા વડે હુમલો કરી દીધો હતો. દરમિયાન તેનો એક મિત્ર કે જે છોડાવવા માટે વચ્ચે પડ્યો હોવાથી તેને પણ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આટલું જ માત્રથી આરોપીઓ અટકચા ન હતા અને શહેરના રાધે કૃષ્ણ સોસાયટીમાં રહેતા અને રવિ પાર્ક વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારી મયુ૨ભાઈ નારાણભાઈ નંદાણીયાની દુકાન પણ આરોપી સંજય કાનાભાઈ ભૂતિયા અને તેના પિતા કાનાભાઈ ભૂતીયાએ પ્રવેશ કરી દુકાનમાં તોડફોડ કરી હતી અને વેપારીને માર માર્યો હતો.

બહાર પાર્ક કરેલી કારમાં તોડફોડ કરી
આ ઉપરાંત પાડોશમાં જ રહેતા શિવાંગીબેનની કાર કે, જે ઘરની બહાર પાર્ક કરવામાં આવી હતી, તેમાં પણ તોડફોડ કરીને નુકસાની પહોંચાડવામાં આવી હતી. જે સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જુદી-જુદી ત્રણ ફરિયાદો પિતા-પુત્ર સામે નોંધાવવામાં આવી હતી.

પોલીસકર્મી પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો
આ બંને આરોપીઓ રવિ પાર્ક વિસ્તારમાં આતંક મચાવી રહ્યા છે, તેવી માહિતી મળતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ જાવેદભાઈ કાસમભાઇ વજગોળ, કે જેઓ તાત્કાલિક અસરથી આરોપીઓને પકડવા માટે ગયા હતા, જે દરમિયાન આરોપી સંજય કાનાભાઈ ભૂતિયા અને તેના પિતા કાનાભાઈ કેશુભાઈ ભૂતિયા ઉપરાંત તેનો ભાઈ ભાવેશ કાનાભાઈ ભૂતિયા કે જે ત્રણેય પોલીસ સ્ટેશનને આવવા માટેનું કહેતાં તેઓ ઉશ્કેરાયા હતા, અને પોતાની સાથે રહેલી સ્કોર્પિયો કાર પોલીસ કર્મચારી જાવેદભાઈ વજગોડ પર ચડાવી દેવાની કોશિશ કરી હતી, જેથી તેઓ ખસી ગયા હતા. પરંતુ તેમના પગ ઉપરથી કારનું વ્હીલ ફરી વળ્યું હતું, અને પગ ભાંગી ગયો હતો. જે બાદ ત્રણેય શખ્સો ભાગી છુટ્યા હતા.

કલમ 307, પોલીસની ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધાયો
આ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જાવેદભાઈ વજગોળને તાત્કાલિક અસરથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જઈ સારવાર અપાઈ હતી, અને પિતા-પુત્ર સહિતના ત્રણ આરોપીઓ સંજય કાનાભાઈ, ભાવેશ કાનાભાઈ અને તેના પિતા કાનાભાઈ કેશુરભાઈ ભૂતિયા સામે હત્યા પ્રયાસ અંગેની કલમ 307, પોલીસની ફરજમાં રૂકાવટ અંગેની કલમ 332, ઉપરાંત 353, 294- ખ અને 114 મુજબ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ત્રણેયને ઝડપી લીધા
સીટી સી. ડિવિઝનના પોલીસી ઇન્સ્પેક્ટર પી. એલ. વાઘેલા સહિતની ટુકડીએ તાત્કાલિક અસરથી ત્રણેય આરોપીઓને પકડી લીધા છે, અને તેઓની સ્કોર્પિયો કાર કબ્જે કરી લીધી છે. જે ત્રણેયની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. આ બનાવને લઈને શહેરમાં ભારે ચકચાર જાગી છે.

અન્ય આરોપી.
અન્ય આરોપી.
અન્ય સમાચારો પણ છે...