આજથી નોરતાનો પ્રારંભ:જામનગર શહેરમાં 300થી વધુ જગ્યાએ પ્રાચીન ગરબીઓ થશે

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટીકાશી શક્તિની ઉપાસનામાં લીન બનશે
  • ​​​​​​​​​​​​​​બે વર્ષ બાદ શેરીઓમાં માતાજીની આરાધનાથી વાતાવરણ તરબોળ થશે

છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં અર્વાચીન કરતા પ્રાચીન ગરબીઓને વધુ મહત્વ આપવામાં આવે છે. ત્યારે કુમારીકાઓ ગરબે રમી શક્તિસ્વરૂપા માતાજીની આરાધના કરવા માટે થનગની રહી છે. આ વર્ષે પણ કોરોનાના નિયમોના પાલન સાથે ફક્ત શેરી ગરબીઓ યોજવા સરકારે મંજૂરી આપી છે જ્યારે પાર્ટી પ્લોટમાં યોજાતા કોમર્શિયલ અર્વાચીન ગરબાના આયોજનો પર પ્રતિબંધ મુકાયો છે. જામનગરમાં જ્યાં જ્યાં શેરી ગરબીઓ યોજાઈ છે ત્યાં માતાજીની ગરબીના ચાચર ચોકને ખૂબ સુંદર રીતે શણગારવામાં આવ્યો છે. રોશનીનો ઝગમગાટ શહેરની સુંદરતા વધારી રહ્યો છે.

હાલ તો જામનગર શહેરમાં 300થી વધુ જગ્યાએ નાની મોટી પ્રાચીન ગરબીઓનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ઘણા દિવસો અગાઉથી જ નાની બાળાઓ દ્વારા નીત નવા રાસ, ગરબાની તાલીમ લેવામાં આવી રહી છે. તો શહેરમાં અનેક ગરબીઓ દાયકાઓ જુની છે. દર વર્ષે નીત-નવા રાસોથી મા અંબાની આરાધના કરવામાં આવે છે. રાસ-ગરબા જોવાનો લોકો પણ અનેરો લ્હવો લે છે.

શહેરમાં સુભાષ શાક માર્કેટ પાસે અંબાજી કુમારિકા ગરબી મંડળ, લીમડા લેન ખાતે ભારતમાતા આદર્શ ગરબી મંડળ, જલાની જારની પુરુષની ગરબી વગેરે સ્થળોએ મંડપ શણગારને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જલાની જારના ચોકમાં આશરે સાડા ત્રણસો વર્ષથી પુરૂષોની ગરબી યોજાય છે. અહીં પણ સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે.

આજે પ્રથમ નોરતે બપોરના 12:12 થી 12:55 વચ્ચે સારાં કાર્યો થઇ શકશે
તા. 7થી આસો નવરાત્રિ શરૂ થઇ રહી છે. આ વર્ષે પ્રથમ નોરતે વૈધૃતિ યોગ અને ચિત્રા નક્ષત્ર છે. ઘટસ્થાપન, દીપ સ્થાપન એ દિવસે બપોરે 12:12 થી 12:58માં કરવાં જોઇએ. જ્યોતિષાચાર્ય સતીષભાઇ ભટ્ટ કહે છે, નિર્ણય સાગર ગ્રંથ મુજબ વૈધૃતિ યોગ અને ચિત્રા નક્ષત્ર વખતે ઘટનસ્થાપન, કુંભ સ્થાપન અને જ્વારા વાવવાથી નકારાત્મક પરિણામ મળે છે. જેમાં ધનનો નાશ, બિમારી થઇ શકે. ઘટસ્થાપન કરનાર અને કરાવનારને પણ નુકસાન થઇ શકે. આવા સંજોગોમાં દિવસનો મધ્યાંતર કાઢી અભિજીત મુહૂર્તમાં જ ઘટસ્થાપન, દિપ સ્થાપન, ધંધાનો પ્રારંભ વગેરે શુભ કાર્યો થઇ શકે.

નવરાત્રીના વિવિધ કાર્યો માટે મુહૂર્ત

  • ઘટનસ્થાપન: તા. 7ના ઓક્ટો. 2021 બપોરે 12:12 થી 12:58
  • દીપ પ્રાગટ્ય: બપોરે 12:15 થી 12:55
  • નાંદિ શ્રાદ્ધ વિધી: ઉપરોક્ત સમય પહેલાં સવારે અથવા અમાસના દિવસે સૂર્યાસ્ત પહેલાં કરવી જરૂરી છે.
  • નવરાત્રિ હવન: હવનાષ્ટમી તા. 13 ઓક્ટો. બીડું હોમવાનો સમય બપોર બાદ 2:30 થી 3:28 અને 4:30 થી 5:20.
  • નવરાત્રોત્થાપન પારણા: મહાનવમી તા. 14ના બપોરે 4:25 થી 5:20
  • વિજયાદશમી: તા. 15 ઓક્ટો. 2021 શસ્ત્રપૂજા વિજય મુહૂર્તમાં બપોરે 2:30 થી 3:15
અન્ય સમાચારો પણ છે...