જામનગર શહેર-જિલ્લામાં આરટીઇ હેઠળ ખાનગી શાળાઓમાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશ માટે 1578 જગ્યા સામે 6800 એટલે કે 4 ગણી અરજીઓ આવી છે. ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થઇ છે. 21 એપ્રિલ સુધી ઓનલાઇન અરજીમાં ભૂલ સુધારણાની તક આપવામાં આવી છે.
રાઇટ ટુ એજયુકેશન કાયદા હેઠળ આર્થિક રીતે નબળા પરિવારોના સંતાનોને નજીકની ખાનગી શાળામાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. જામગનર શહેર-જિલ્લામાં આરટીઇ અંતર્ગત ધો.1 માં પ્રવેશના ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી 30 માર્ચથી શરૂ થઇ હતી. જે 11 એપ્રિલના પૂર્ણ થઇ હતી. જે અંતર્ગત શહેરમાં આવેલી 111 ખાનગી શાળાઓમાં 592 જગ્યા પર પ્રવેશ માટે 2400 થી વધુ અરજી આવી હતી.
જયારે જિલ્લામાં 248 ખાનગી શાળામાં 986 જગ્યા માટે 4400 ફોર્મ ભરાયા હતાં. આમ 1578 જગ્યા માટે 6800 અરજીઓ આવી છે. ઓનલાઇન અરજી શિક્ષણ વિભાગ ચેક કરી વાલીઓને 16 એપ્રિલ સુધીમાં જવાબ મોકલવામાં આવ્યા છે. ત્યાર બાદ 19 એપ્રિલ સુધી અરજીઓમાં ખૂટતા ડોકયુમેન્ટ અપલોડ કરવા અરજદારોને ફરી તક અપાશે. તા.21 એપ્રિલ સુધી અમાન્ય અરજીઓમાં પુન: અપલોડ કરાયેલા ડોકયુમેન્ટની ચકાસણી થશે.
કોરોના કાળને કારણે લોકોના વેપાર-ધંધાને ભારે ફટકો પડયો છે, આથી વેપાર-ધંધાની ગાડી હજુ જોઇએ તેવી પાટે ચડી નથી. બીજીબાજુ શિક્ષણ દિનપ્રતિદિન મોંઘુ થતાં આરટીઇ હેઠળ ખાનગી શાળાઓમાં ધો. 1માં વિના મુલ્યે પ્રવેશ માટેની અરજીઓમાં ધરખમ વધારો નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.