જામનગર જિલ્લાના ધ્રોલમાં એક બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી લઇને મકાનમાંથી 3,20,000ની રોકડ રકમ અને સોનાના દાગીના સહિત 3,64,000 ની માલ મત્તાની ચોરી કરી લઈ ગયા નું પોલીસમાં જાહેર થયું છે. ધ્રોલ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાઓની મદદથી તસ્કરોને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. પાંચ શખ્સો કેમેરામાં કેદ થયા હોવાથી તેની ઓળખ કરવા તજવીજ હાથ ધરાઈ છે.
જામનગર જિલ્લાના ધ્રોલમાં રોડ રસ્તાનું કામ સંભાળતી દિલીપ બિલ્ડકોન લિમિટેડ નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા જયંતભાઈ ઓમ પ્રકાશભાઈ રાઠોડ કે જે ઓ ગત રવિવારે પોતાના રહેણાંક મકાનને તાળું મારીને પરિવારજનો સાથે સોમનાથ દાદાના દર્શનાર્થે ગયા હતા અને ત્યાં રાત્રી રોકાણ કર્યું હતું.જે દરમિયાન કોઈ તસ્કરોએ તેમના બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી લીધું હતું. તસ્કરો એ તેમના મકાનના દરવાજાનું તાળું અને નકુચો તોડી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હતો
હોલમાં રહેલા ટેબલના ખાનાનો લોક તોડી નાખી તેમાં રાખેલી 3,20,000 ની રોકડ રકમ ઉપરાંત બેડરૂમમાં પ્લાસ્ટિકના ફોલ્ડીંગ કબાટ ના કપડા નીચે સંતાડેલા રૂપિયા 44 હજારની કિંમતના સોના ચાંદીના દાગીના, કાંડા ઘડિયાળ, વગેરે સહિત 3,64,000ની માલમત્તાની ચોરી કરી ગયા હતા. મકાન માલિક જયંતભાઈ સોમનાથથી પરત ફર્યા, ત્યારે તેમના રહેણાંક મકાનમાં ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી તેઓએ તૂરત જ ધ્રોલ પોલીસ મથકનો સંપર્ક સાધ્ય હતો અને ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એમ આર સવસેટા ઉપરાંત સ્ટાફના મહાવીરસિંહ જાડેજા સહિતની ટુકડી દોડતી થઈ હતી, અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ ચકાસવાનો શરૂ કર્યું હતું. ધ્રોલની રાધે રેસિડેન્સી સોસાયટી દ્વારા સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવ્યા છે જેમાં તપાસણી કરતાં કુલ પાંચ શખ્સો ચોરી કરવાના ઇરાદે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને પાંચેય તસ્કરો કેમેરામાં કેદ થયા છે. જેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાથોસાથ ટોલનાકા સહિતના કેમેરાઓ પણ તપાસવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.