તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં કથિત યૌન શોષણનો મામલો:મહિલા આયોગે ડીજીપી પાસે સમગ્ર ઘટનાનો રિપોર્ટ માગ્યો, કેટલી યુવતી ભોગ બની છે તેની વિગતો પણ માગી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તપાસ કમિટી દ્વારા હાલ એટેડન્ટના નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલુ

જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતી યુવતીઓનું સાથી સુપરવાઈઝર દ્વારા જ શારીરિક શોષણ થતું હોવાના આક્ષેપો બાદ ખળભળાટ મચ્યો છે. ત્યારે હવે આ મામલે રાજ્ય મહિલા આયોગ દ્વારા ડીજીપીને પત્ર લખી સત્વરે તપાસ કરવા સૂચના આપવામા આવી છે. આયોગે સત્વરે રિપોર્ટ પણ માગ્યો છે. આ ઘટનામાં હકીકતમાં કેટલી યુવતીઓ ભોગ બની છે તેની તપાસ કરવા પણ સૂચના અપાઈ છે.

સમગ્ર ઘટનાની તપાસ માટે નિમાઈ છે કમિટી
સરકારી કોવિડ હોસ્પિટલમાં શારીરિક શોષણ થયાના મહિલા એટેન્ડન્ટ દ્વારા આક્ષેપો થતા રાજ્ય સરકારે કડક તપાસના આદેશ આપ્યા હતા. ખુદ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ જામનગર કલેકટર સાથે વાત કરી હતી. બાદમાં કલેકટર દ્વારા સમગ્ર મામલાની તપાસ માટે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને એક કમિટીની રચના કરવામા આવી છે. જે કમિટી હાલ મહિલા એટેન્ડન્ટના નિવેદન નોંધી રહી છે.

મહિલા સંસ્થાઓ પણ એટેન્ડન્ટની મદદે આવી હતી
​​​​​​​
ગઈકાલે અમદાવાદની અલગ અલગ ત્રણ મહિલા સંસ્થાઓના હોદેદાર મહિલાઓ જામનગર જીજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. અહીં તેઓએ મહિલા એટેન્ડન્ટ સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, શારીરિક શોષણ થયાની વાત સ્પ્ષ્ટ છે.

સ્થાનિક તબીબ પણ એટેન્ડન્ટના સમર્થનમાં આવ્યા હતા
​​​​​​​જીજી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક પુરુષ તબીબ પણ મહિલા એટેન્ડન્ટના સમર્થનમાં આવ્યા હતા અને કોવિડ હોસ્પિટલમાં મહિલા એટેન્ડન્ટનું શોષણ થતું હોવાનો પુરુષ તબીબ દ્વારા દાવો કરાયો હતો. જો પોતાની ઓળખ ગુપ્ત રહે તો કમિટી સમક્ષ નિવેદન આપવા માટે પણ તૈયારી બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...