રજૂઆત:આખી જી.જી. હોસ્પિટલ જર્જરિત નવી બનાવવા સરકારમાં દરખાસ્ત

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનોગ્રાફી, બ્રેસ્ટ કેન્સર, મેમોગ્રાફી જેવી આધુનિક મશીનરી આવશે

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ જે સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની હોસ્પિટલ છે તેમાં અતિ આધુનિક મશીનરીઓ આગામી દિવસોમાં આવી રહી છે તેમજ સરકારમાં થયેલી જૂની બિલ્ડીંગના બદલે નવી બિલ્ડીંગની દરખાસ્ત અંગે પણ સાકારાત્મક અભિપ્રાય આવતા આગામી દિવસોમાં જૂનું બિલ્ડીંગ પણ પડી તેનું સ્થાન નવું બિલ્ડીંગ લેશે.

થોડાં વર્ષ પહેલાં જામનગરના મેડિકલ કેમ્પસ વિસ્તારમાં નવી હોસ્પિટલનું બાંધકામ થયું હતું. હવે જૂની જી. જી. હોસ્પિટલ (ઈરવિન) હોસ્પિટલવાળુ બાંધકામ 1926માં થયેલી છે. જે હવે જર્જરિત બન્યું છે. ત્યાં નવા બાંધકામ માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.

તાજેતરમાં રાજ્યના આરોગ્ય મંત્રી જામનગર આવ્યા હતા ત્યારે તેમણે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ સમયે તેમની સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરી નવા બાંધકામ માટે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે 1954ના મેડિકલ કેમ્પસના બાંધકામ અંગે પણ રજૂઆત કરી નવા બાંધકામ માટે માંગણી મૂકવામાંં આવી હતી.

આ ઉપરાંત મેડિકલ કોલેજમાં વર્ષો પહેલા અભ્યાસ કરી ચૂકેલા તબીબો પણ કેટલીક મશીનરી માટે સહયોગ આપનાર છે. મળતી માહિતી મુજબ લાંબા સમયથી એમઆરઆઈ સુવિધા બંધ છે. તે હવે ટૂંક સમયમાં જ પુનઃ શરૂ થનાર છે. અતિ ટૂંકા સમયમાં જ એમઆરઆઈ મશીન આવી રહ્યું છે. આ ઉપરાંત બ્રેસ્ટ કેન્સરની સારવાર, મેમોગ્રાફી મશીનની પણ સુવિધા મળનાર છે.

પ્રથમ તબક્કામાં હોસ્ટેલ બાંધકામ માટે મંજૂરી મળનાર આ સામે માતા-બાળ સારવાર વિભાગમાં બાંધકામ થશે. જ્યાં 500 દર્દીને સારવાર મળી રહેશે. આ ઉપરાંત વધુમાં જે સુવિધા માટે માંગણી કરવામાં આવી છે તેમાં વર્ગ એક અને બેના તબીબી અધિકારીઓ માટે રહેણાંક તથા નર્સીંગ સ્ટાફ માટે આવાસનો સમાવેશ થાય છે. જૂની હોસ્પિટલમાં 750 બેડની સુવિધા હતી. આ પછી 200 પીડિયાટ્રીકની અને 50 બેડ ટ્રોમામાં સુવિધા વધી હતી. ઉપરાંત અન્ય બેડ મળી કુલ 1375 જેટલા બેડની સેવા ઉપલબ્ધ છે.

સરકારમાં દરખાસ્ત થઈ ગઈ છે: ડીન
જૂની બિલ્ડીંગના સ્થાને નવી બિલ્ડીંગ અંગેની દરખાસ્ત ઘણા સમયથી સરકારમાં થઈ ગઈ છે અને વખતોવખત તેની અધિકારીઓ સમક્ષ રજૂઆત પણ થઈ છે. આગામી દિવસોમાં સકારાત્મક અભિગમ ગણાતા આ અંગે નવી બિલ્ડીંગ બનશે. - ડો. નંદિની દેસાઈ, ડીન, મેડિકલ કોલેજ, જામનગર.

અન્ય સમાચારો પણ છે...