કમોસમી વરસાદ:કાલાવડ, ગોંડલ અને કોટડાસાંગાણીના વાતાવરણમાં પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા

જામનગર13 દિવસ પહેલા
  • ઉનાળુ તલી, મગ અને બાજરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ

વૈશાખ મહિનાની આકરી ગરમી વચ્ચે આજે જામનગર અને રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જામનગરના કાલાવડ તાલુકાના અને રાજકોટના ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. વૈશાખ મહિનામાં અષાઢ મહિના જેવો માહોલ જામતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વાતાવરણમાં આજે બપોરના સમયે અચાનક પલટો આવ્યો હતો. તાલુકાના ખરેડી, નાના વડાળા,ડેરી,ગુંદા, મેટીયા, શ્રીજી નગર સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જ્યારે બીજી બાજુ તાલુકાના અનેક ગામોમાં વરસાદી છાંટા સાથે કરા પણ પડયા છે.

ઉનાળું પાકનું વાવેતર કરનાર ખેડૂતોની ચિંતા વધી
કાલાવડ તાલુકામાં આકરી ગરમી વચ્ચે કમોસમી વરસાદ અને કરા વરસતા ખેતી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. તો બીજી તરફ ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો હતો.

રાજકોટના ગોંડલ અને કોટડા સાંગાણીમાં રસ્તાઓ પાણી પાણી થયા
રાજકોટ જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. વહેલી સવારે આકાશમાં વાદળો છવાયા હતા. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળી રહી રહ્યો છે. ગોંડલ અને કોટડાસાંગાણી પંથકમાં ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તઓ પર પાણી ભરાયા હતા. વરસાદ પહેલા પવનને કારણે ધૂળની ડમરી પણ ઉડી હતી. રાજકોટ શહેરમાં હાલ વાતાવરણ ગોરંભાયું છે અને કાળા ડિબાંગ વાદળો છવાયા છે.

ગોંડલ નેશનલ હાઇવે પર ધોધમાર વરસાદ
રાજકોટ-ગોંડલ હાઇવે પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલના રીબડા, પીપળિયા તેમજ આજુબાજુના ગામાડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત કોટડાસાંગાણી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે. કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યાનું પણ જાણવા મળ્યું છે.ગોંડલ શહેરે અને ગ્રામ્ય વિસ્તારમાં દિવસ દરમિયાન આગ ઝરતી ગરમી વરસ્યા બાદ સાંજના સુમારે અચાનક વાતાવરણ પલટાયું હતું. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ગોરંભાયા બાદ તાલુકાના રીબડા, કોલીથડ, પાટીયાળી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું.

ઉનાળુ પાકને નુકસાન પહોંચવાની ભીતિ
હાલ ખેડૂતોના ખેતરમાં તલી, બાજરી, મગનો પાક ઉભો છે. તલીમાં ડોડવા બંધાવાની તૈયારી છે તો બાજરીમાં ડુંડા પણ બેસી ગયા છે. ત્યારે કમોસમી વરસાદથી આ પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ જિલ્લામાં તાપમાનનો પારો પણ ઉંચો રહેતા લોકો આકરી ગરમીથી અકળાયા છે. ત્યારે બપોર બાદ ગોંડલ અને કોટડાસાંગાણી પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.