શૈક્ષણિક સત્ર શરૂ થયાને બે મહિના થવા છતાં હજુ આરટીઇના બીજા રાઉન્ડના ઠેકાણા નથી. પ્રવેશ પ્રક્રિયા અધૂરી રહેતા 2 માસના અભ્યાસથી બાળકો વંચિત રહેશે. નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળામાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશ માટે રાજય સરકાર દ્વારા આરટીઇનો કાયદો અમલી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આ વર્ષે જામનગર શહેરમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હસ્તકની 113 ખાનગી શાળામાં 591 બેઠક માટે કુલ 3828 ફોર્મ ભરાયા હતાં. જેમાંથી 198 ફોર્મ નામંજૂર તો 445 ફોર્મ વાલીઓ દ્વારા રદ કરાયા હતાં.
જયારે જિલ્લા પંચાયત હસ્તકની 226 ખાનગી શાળામાં 1066 બેઠક માટે કુલ 2533 ફોર્મ ભરાયા હતાં. આરટીઇના પ્રથમ રાઉન્ડમાં ડીઇઓ કચેરી હસ્તકની ખાનગી શાળાની તમામ 591 બેઠક પર બાળકોને પ્રવેશ અપાયો હતો. પરંતુ 45 બાળકોએ હજુ સુધી પ્રવેશ લીધો નથી. જયારે જિલ્લામાં 1066 માંથી 169 બાળકોએ પ્રવેશ લીધો નથી.
આમ શહેર-જિલ્લામાં કુલ 214 બેઠકો હજુ ખાલી છે. આમ છતાં આરટીઇના બીજા રાઉન્ડના હજુ કોઇ ઠેકાણા નથી. શૈક્ષણિક સત્ર શરૂ થયાને બે મહિના થયા હોવા છતાં હજુ સુધી આરટીઇની પ્રક્રિયા પૂર્ણ થઇ ન હોય શાળામાં થયેલા અભ્યાસથી બાળકો વંચિત રહેશે તેમાં બે મત નથી.
મનગમતી શાળા કે વધારે અંતરથી પ્રવેશ નહીં
પ્રથમ રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં કુલ 214 બાળકોએ ખાનગી શાળામાં પ્રવેશ લીધો નથી. જેની પાછળ મનગમતી શાળા ન મળતા, ઘરથી વધારે અંતર તો અમુક કિસ્સામાં બાળક ધો.2 માં અભ્યાસ કરતો હોય આ બાબતો કારણભૂત હોવાનું શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.