રાજકારણ:નવા મંત્રીમંડળમાં જામનગર શહેરનું પ્રતિનિધિત્વ ઝીરો થઈ ગયું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ફળદુના મંત્રીપદ છીનવાઈ ગયા
  • જો કે, ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલને કેબિનેટ મંત્રી બનાવીને કૃષિ વિભાગ સોંપાયો

ગુજરાતના મંત્રી મંડળમાં અગાઉ જામનગર શહેરમાંથી બે મંત્રીઓનું પ્રતિનિધિત્વ હતું, જેમાંથી હવે જામનગર ગ્રામ્યના એક મંત્રીને જ નવા મંત્રી મંડળમાં સમાવીને શહેરના બંને મંત્રીપદની બાદબાકી કરી નાખવામાં આવી છે. આમ, જામનગરનું પ્રતિનિધિત્વ નવી સરકારમાં અડધું થઈ ગયું છે.

ગુજરાતના રાજકારણે રાતોરાત કરવટ બદલી છે અને વિજય રૂપાણી સહિત તેમના આખા મંત્રીમંડળને પડતું મૂકીને નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે.આ નવા મંત્રીમંડળમાં જામનગરનું પ્રતિનિધિત્વ અડધું કરી દેવામાં આવ્યું છે. રૂપાણી સરકારમાં જામનગરના આર.સી.ફળદુ કૃષિ મંત્રી હતા, જ્યારે ધર્મેન્દ્રસિંહ જાડેજા અન્ન અને પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી હતા. જામનગર શહેરના આ બંને નેતાઓનું મંત્રીપદ ગયું છે, જેની સામે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલને કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. આમ બે મંત્રીપદ ગયા જેની સામે એક મંત્રીપદ જામનગર જિલ્લાને મળ્યું છે. મતલબ કે, રૂપાણી સરકારની સરખામણીએ હાલની સરકારમાં જામનગરનું પ્રતિનિધિત્વ અડધું કાપી નાખવામાં આવ્યું છે.

10 વર્ષ બાદ પહેલીવાર એવું બન્યું કે, જામનગર શહેરનો કોઈ ધારાસભ્ય મંત્રી નહીં
નરેન્દ્ર મોદીની સરકાર પછી જામનગર શહેરને સતત મંત્રીપદ મળતું આવ્યું છે. આનંદીબેન પટેલની સરકારમાં વસુબેન ત્રિવેદીને મંત્રીપદ અપાયું હતું. વિજય રૂપાણીની સરકારમાં પ્રથમ ટર્મમાં આર.સી. ફળદુ તેમજ બીજી ટર્મમાં આર.સી. ફળદુ તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજાને મંત્રીપદ મળ્યું હતું. હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 10 વર્ષ બાદ શહેરનું મંત્રીપદ છીનવાઈ ગયું છે. માત્ર જામનગર ગ્રામ્યના ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવ્યા છે.

ખજુરાહોકાંડ પછી ફરીથી કેબિનેટ મંત્રી બન્યા રાઘવજી પટેલ
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલની આ છઠ્ઠી ટર્મ છે. તેઓ કાલાવડ, ધ્રોલ-જોડિયા અને ગ્રામ્ય વિસ્તારની વિધાનસભા સીટ પરથી ચૂંટાતા આવ્યા છે. કેશુભાઈ પટેલની સરકાર વખતે થયેલા ખજુરાહોકાંડ વખતે તેઓ નારાજ ધારાસભ્ય સાથે હતા અને ભાજપ છોડીને શંકરસિંહની સરકારમાં ભળ્યા હતા જેમાં તેમને કેબિનેટ મંત્રી બનાવાયા હતા, તે સરકાર અલ્પ સમય જ ચાલી હતી. હવે તેમને ફરી કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...