નલ સે જલ યોજના:અવધનગરી, આદિનાથ પાર્ક સહિતના વિસ્તારોમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાશે

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાઘેડી સોસાયટી વિસ્તારની પેયજળ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલના હસ્તે જામનગર જિલ્લાના નાઘેડી ગામે પેયજળ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વાસ્મો પુરસ્કૃત નાઘેડી ગામના સોસાયટી વિસ્તારોને પીવાના પાણીની આંતરિક વિતરણ વ્યવસ્થાના કામોની યોજના અંતર્ગત રૂ.44.45 લાખના ખર્ચે અવધનગરી, આદિનાથ પાર્ક તેમજ નાઘેડીનાં અન્ય વિસ્તારો મળી 400 જેટલા ઘરમાં નલ સે જલ યોજના હેઠળ પાણી પૂરૂં પાડવામાં આવશે.

ખાતમુહૂર્તના કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, નાઘેડી ગામની આ યોજના પૂર્ણ થતાં યોજના હેઠળ તમામ ઘરોમાં પાણી પૂરું પાડવામાં આવશે. જામનગર જિલ્લામાં 1,42,084 ઘરો પૈકી 1,41,522 ઘરોમાં નળ જોડાણ આપવામાં આવ્યા છે. જુલાઇ-2022 સુધીમાં બાકીના ઘરોમાં પણ નળ જોડાણની કામગીરી પૂર્ણ થશે.

વાસ્મો પુરસ્કૃત નાઘેડી સોસાયટી વિસ્તારની પેયજળ યોજના અંતર્ગત નાઘેડી ગામમાં રૂ.18.24 લાખના ખર્ચે 5 લાખ લીટરની ક્ષમતાનો સંપ, 21.17 લાખના ખર્ચે અંદાજે 5 કિમીની આંતરિક વિતરણ પાઇપલાઇન, રૂ.2.80 લાખના ખર્ચે 400 ઘરોમાં નળ જોડાણ, રૂ.88 હજારના ખર્ચે નિર્માણ થનાર સંપ પાસે પંપ હાઉસ, રૂ.85000 ના ખર્ચે મશીનરી, રૂ.50 હજારના ખર્ચે સંપ પર વીજ જોડાણ નાખવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં નાઘેડી ગામના લોકોને ઘર આંગણે જ પીવાનું પાણી મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...