વડાપ્રધાન અને તેની માતા સાથે અભદ્ર પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ કરવા અંગે પકડાયેલા સિક્કાના એક ઇસમ સામે રૂા.95 હજારની ઠગાઇ કરી ખૂનની ધમકી આપવા તેમજ હિન્દુ ધર્મની ખોટી ઓળખથી હિન્દુ સમાજની એક જ્ઞાતિને અને સેવાભાવી સંસ્થાને બદનામ કરવાના ઇરાદાથી ફેસબુકમાં ફેક આઇ.ડી. બનાવવા સબબની વધુ બે ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.
જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતા અફઝલ કાસમ લાખાણી સામે ત્રણ દિવસ અગાઉ પોલીસે ગુન્હો નોંધ્યો હતો અને વડાપ્રધાન તથા તેની માતા વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ આરોપીને ઝડપી લઇ બે દિવસના રિમાન્ડ મેળવાયા હતા. રિમાન્ડ પુરા થતા આરોપીને જ્યુડીશીયલ કસ્ટડી (જેલ)માં મોકલી આપવામાં આવ્યો હતો.
આ આરોપી સામે જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઇ છે. જામનગરમાં વંડાફળી શેરી નં.1માં રહેતા યશાંક કિરણભાઇ ત્રિવેદી નામના યુવાને અફઝલ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીએ પોતાની ઓળખ છુપાવી હિન્દુ ધર્મની ખોટી ઓળખથી ફરિયાદીની જ્ઞાતિ, ધર્મ તથા ફરિયાદીની સેવાભાવી સંસ્થા વિરૂદ્ધ ફેસબુકમાં ફેક આઇ.ડી.નો ઉપયોગ કરી અપમાનજનક પોસ્ટ મુકી હતી અને લાગણી દુભાવી હતી. પોલીસે આ ફરિયાદના આધારે આરોપી અફઝલ સામે ગુન્હો નોંધ્યો છે. આ અંગેની તપાસ પીઆઇ બી.એન.ચૌધરીએ હાથ ધરી છે.
સિક્કાના અફઝલ લાખાણી સામે સિક્કા પોલીસ મથકમાં પણ એક ફરિયાદ નોંધાઇ છે. સિક્કામાં રહેતા અમીન મામદ ભગાડ નામના યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી પાસે લેવાના થતા પગારના રૂા.65 હજાર તથા ઉછીના આપેલ રૂા.30 હજાર ન આપી વિશ્ર્વાસઘાત કરેલ અને પૈસા માંગવા જતા ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ છાપામાં બદનામ કરી નાખશું તેવી ધમકી આપી હતી. આ અંગેની તપાસ હેડકોન્સ્ટેબલ એસ.ડી.જાડેજાએ હાથ ધરી છે.
આમ સિક્કાના આ અફઝલ લાખાણી સામે બુધવારે નોંધાયેલી બે વધુ પોલીસ ફરિયાદને પગલે તેનો જેલમાંથી કબ્જો લઇ ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી સામે અભદ્ર ટિપ્પણી મામલે ફરિયાદ દાખલ કરી પોલીસે તેની અટકાયત કરી હતી અને બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.