જિલ્લામાં 6 ફરિયાદ:વ્યાજખોરો સામે પ્રજાએ પણ બાંયો ચઢાવી

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જામનગર શહેર, જામજોધપર અને લાલપુરમાં વ્યાજ વટાઉની 6 ફરિયાદ નોંધાઈ: 18 વ્યાજખોરોએ ધાક ધમકી આપી ચેક, મકાનો, ખેતરો લખાવી લીધા

1. ઘનશ્યામ પટેલ સામે તો 3-3 ફરિયાદો થઈ છે !
મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા સંજય શાંતિલાલ હેડાયએ રૂા.1.5 લાખ વ્યાજે લીધા હતા જેનું 75 હજાર વ્યાજ ચૂકવી બેંકનો એક કોરો ચેક તેમજ તેની પત્ની અને સસરાના ચેક લીધા બાદ રિટર્ન કરી કેસ કર્યા હતા. કેશુભાઈ રાઠોડની મયુરનગર વામ્બે આવાસમાં દુકાન નં.9નો વેચાણ કરાર કરાવી લીધો હતો, યોગેશ્વરધામ સોસાયટીમાં આવેલા મકાનનું પણ વેચાણ કરાર કરાવી લીધો હતો અને સુરેન્દ્રનગર કોર્ટમાં ફરિયાદ કરી છે. શિવ ટાઉનશીપમાં રહેતા કરશન વેજાણંદ વારોતરીયાઅે વર્ષ 2016માં ધંધા માટે 45 લાખ વ્યાજે લીધા હતા જેનું મહિને દોઢ લાખ વ્યાજ ચૂકવતો હતો, ધંધામાં મંદી આવી જતાં ઘનશ્યામભાઈએ કરશનભાઈની 3 દુકાનો રૂા.15 લાખની લખાવી લીધી હતી. ચેક લખાવી સુરેન્દ્રનગરની કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.

2. 20 હજારના સાડા સાત લાખ ચૂકવ્યા, છતાં ત્રાસ
બીજી એક ફરિયાદમાં શહેરના મોહનનગર આવાસમાં રહેતા કેયુર નીતિનભાઈ સંઘવીઅે નિલેશ દિક્ષીત નામના શખસ પાસેથી રૂા.20 હજાર લીધા હોય જેમાં રોજના રૂા.200ના દરે પૈસા ચૂકવવાના હોય તેણે રૂા.6 હજાર ચૂકવી દીધા હોવા છતાં 45 હજાર જેટલું વ્યાજ ચૂકવવા છતાં દબાણ કરતા હોય. કેયુરભાઈએ વિમલભાઈ ફલ પાસેથી 50 હજાર 10 ટકા વ્યાજે લીધા હતા. જેનું સાડા સાત લાખ જેટલું વ્યાજ ચૂકવી દેવા છતાં બંને ઉઘરાણી કરતા હતા અને મકાનના દસ્તાવેજની ઓરીજીનલ કોપી લઈ કોરા ચેક લઈ ગાળો આપી ધમકી આપતા હતા. બંને વ્યાજખોરો સામે સિટી-એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ કિસ્સામાં બંને વ્યાજખોરોની શોધખોળ હાથ ધરી છે.

3. 10 હજારનું વ્યાજ મહિને 3 હજાર ચૂકવવામાં આવતું
ત્રીજી ફરિયાદમાં શહેરના પટેલ કોલોનીમાં રહેતા રાકેશ કાંતિલાલ સોમૈયા નામના મજૂરી કરતા વ્યક્તિએ પોતાની પુત્રીની સારવાર માટે રામેશ્વરનગરમાં રહેતા હેમતસિંહ જાડેજા પાસેથી માસિક 30 ટકા લેખે રૂા.10 હજાર વ્યાજે લીધા હતા જે કટકે કટકે 21 હજાર ચૂકવી દેવા છતાં હેમતસિંહે બેંક ખાતાના કોરા ચેકમાં સહી કરી લીધી હતી. તેમજ અવારનવાર ધાક ધમકીઓ આપી હજુ 45 હજાર આપવા પડશે તેમ કહી ગાળો કાઢી માર મારતા પોલીસમાં હેમતસિંહ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થવા પામી છે. આ શખસે રાકેશભાઈને ભારે માનસિક ત્રાસ આપ્યો હતો. તેમજ ગાળાગાળી કરી ધરારથી પૈસાની માંગણી કરતો હતો. જેનાથી કંટાળીને પોલીસમાં રાવ તેના વિરૂદ્ધ કરવામાં આવી છે.

4. રીક્ષા ડ્રાઈવરનો 3 લાખનો ચેક રિટર્ન કરાવી કેસ કર્યો
ચોથી ફરિયાદમાં બેડી નુરાની ચોકમાં રહેતા અને રીક્ષા ડ્રાઈવીંગ કરતા મામદ જુસબભાઈ ચૌહાણે રોશનબેન ઈબ્રાહીમભાઈ મુંદ્રા અને વસીમ કરીમભાઈ સંધી પાસેથી રૂા.10 હજાર 10 ટકા વ્યાજે લીધા હતા. આ શખસો પાસે કાયદેસરના નાણા ધિરધારનું લાયસન્સ ન હોવા છતાં તેઓ વ્યાજે પૈસા આપી ત્રાસ આપતા હતા. જેમાં મામદભાઈએ 18 હપ્તા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજની રકમ બળજબરીથી કાઢવા કોરા ચેક પર સહી કરાવી રૂા.3 લાખનો ચેક રિટર્ન કરી કેસ કરી ગાળો કાઢતા બંને આરોપીએ એક-બીજાને મદદગારી કરીને વ્યાજ ચક્રમાં મામદભાઈને ફસાવતા પોલીસ ફરિયાદ થવા પામી છે. આ કેસમાં જિલ્લામાં પ્રથમ વખત મહિલા સામે વ્યાજ વટાઉની ફરિયાદ નોંધાઈ છે.

5. વ્યાજે લીધેલા રૂપિયા સામે ખેતરો લખાવી લીધા...
પાંચમી ફરિયાદમાં જામજોધપુરમાં મેઘપર ગામે રહેતા અને બ્રાસપાર્ટમાં મજૂરી કામ કરતા ગોવિંદભાઈ રૂડાભાઈ પાથર, સંદીપ પુંજાભાઈ (રહે. ભાણવડ), દિનેશ પુંજાભાઈ, જયસુખ કારેણા, પુંજાભાઈ જસાભાઈ, નીતિન પૂનાભાઈ, પુંજા સોલંકીનો મોટો દીકરો, અર્ટીગા કારનો ચાલક સંદીપના કાકા સસરા અને રમેશ કારેણા પાસેથી ગોવિંદભાઈના પુત્રએ 6 લાખ વ્યાજે લીધા હતા. જે પૈસા ચૂકવી ન શકતા કોરા ચેકમાં સહીઓ કરાવી ખેતરના વેચાણનો સોદા ખત કરાવી માનસિક ત્રાસ તેમજ ગાળો આપતા ગોવિંદભાઈના પુત્ર ચેતને ઝેરી દવા પી લેતા તમામ 9 શખસો સામે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. એકીસાથે 9 સામે ફરિયાદથી ચકચાર મચી છે.

6. 4 વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો લાલપુરનો યુવાન
છઠ્ઠી ફરિયાદમાં લાલપુરમાં રહેતા અને ફળ-ફ્રૂટ વેચવાનો ધંધો કરતા વિપુલ કારાભાઈ મકવાણા નામના યુવાને 4 વ્યક્તિઓ પાસેથી સમયાંતરે વ્યાજે પૈસા લીધા હતા. જેમાં જુમાભાઈ મોતીભાઈ ઘુઘા, સાગર જયંતિભાઈ પરમાર, ભાવનાબેન નિલેશભાઈ મકવાણા અને સાગર વલ્લભભાઈ મકવાણા પાસેથી અનુક્રમે રૂા.2.40 લાખ, 70 હજાર, 1.60 લાખ અને 2 લાખ લીધા હતા જેનંુ વ્યાજ ચૂકવી ન શકતા અવારનવાર પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા તેમજ રૂબરૂ અને ફોન પર ગાળો ભાંડી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. આ ચારેય સામે લાલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. 4 વ્યાજખોરોના ત્રાસથી વિપુલ કંટાળી ગયો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...