જામનગરના રેલવે સ્ટેશન ઉપર આરપીએફના મહિલા કોન્સ્ટેબલને બીનવારસુ બે નંગ બેગ (થેલા) મળી આવ્યા હતા. આ બાબતે તેમણે પોતાના ઉપરી અધિકારીને જાણ કર્યા પછી આરપીએફ કાર્યાલય માં સામાન જમા કરાવી દીધો હતો. આખરે મહિલા મુસાફર પોતાનો સામાન શોધતા રેલવે સ્ટેશને પહોંચ્યા હતા જ્યાં તેમની પૂછપરછ અને ખરાઈ કર્યા પછી એ સમાન મૂળ માલિકને સુપરત કરી દેવામાં આવ્યો હતો.જામનગરના રેલ્વે સ્ટેશન પર ગુરૂવારે આરપીએફના મહિલા કોન્સ્ટેબલ જલસા રાજપુત પોતાની ફરજમાં હતા. ત્યારે તેમને કાળા કલરના બિનવારસુ બે નંગ બેગ મળી આવ્યા હતા.
આથી તેમણે આજુબાજુના મુસાફરોમાં પૂછપરછ કરતા તમામ મુસાફરે એ સામાન પોતાના હોવાની ના પાડી હતી. આથી તેણીએ આરપીએફના સબ ઇન્સ. મનીષાને આ અંગે જાણ કરી હતી અને પ્રાથમિક તપાસમાં પછી તે સામાન આર.પી.એફ. કાર્યાલયમાં જમા કરાવી દીધો હતો. થોડા સમય પછી એક મહિલા મુસાફર પોતાનો સામાન શોધતા આરપીએફ કાર્યાલયમાં આવ્યા હતા અને તેમણે એસામાં પોતાનો હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ મુંબઈથી સૌરાષ્ટ્ર મેલ મારફતે જામનગર આવ્યા હતા.
પરંતુ વધારે સામાન હોવાને કારણે બે થેલા ઓ રેલ્વે સ્ટેશનના પેસેન્જર લોન્જમાં જ ભૂલી ગયા હતા અને ઘરે ચાલ્યા ગયા હતા. આખરે આરપીએફ દ્વારા ખરાઇ કરવામાં આવ્યા પછી સામાન મૂળમાલિકને સુપરત કરી દેવામાં આવ્યો હતો. જેમાં 90 હજારની કિંમતના સોનાના ઘરેણા અને જૂના કપડાં હતાં. આમ આરપીએફની મહિલા કોન્સ્ટેબલના કારણે મહિલાને પોતાના ખોવાયેલો સામાન પરત મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.