જામનગરમાં રખડતા ઢોરને પકડવા મનપાનું તંત્ર રહી રહીને જાગ્યું છે. જેના પગલે શુક્રવારે મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠકમાં ઢોર પકડવાની ઝુંબેશ વેગવંતી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ રખડતા ઢોરને બાર કોડના આધુનિક ટેગ લગાવામાં આવશે. જેથી ઢોર માલીકો સામે સીધી પોલીસ ફરિયાદ થઇ શકશે. તદઉપરાંત આગામી દિવસોમાં પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડાશે. જો કે, મનપા દ્વારા રોજના 30 ઢોર પકડવામાં આવતા હોવા છતાં શહેરના માર્ગો પર સમસ્યા યથાવત રહી છે.
શહેરમાં તાજેતરમાં રખડતા ખૂટિયાએ મહિલાને ઢીકે ચડાવી લોહીલુહાણ કર્યાના બનાવના ઘેરા પ્રત્યાઘાત શહેરીજનોમાં પડયા છે. આ બનાવના પગલે મનપાનું તંત્ર પણ રહી રહીને જાગ્યું છે. કમિશ્નરે ઢોરથી અકસ્માત, મૃત્યુના કિસ્સામાં ઢોર માલીકે વળતર ચૂકવવું પડશે તે જાહેરનામું બહાર પાડયું છે. બીજી બાજુ શુક્રવારે રખડતા ઢોર મામલે મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓની મીટીંગ મળી હતી. જેમાં રખડતા ઢોરને આધુનિક બાર કોડ ટેગ લગાડવાનો નિર્ણય કરાયો હતો. આ ટેગમાં ઢોર માલીકનું નામ, સરનામું સહિતની તમામ વિગતો હોવાથી સીધી પોલીસ ફરિયાદ થઇ શકશે. તદઉપરાંત આગામી દિવસોમાં પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવામાં આવશે. જેથી ઢોર માલીકો કોઇ હસ્તક્ષેપ કરી ન શકે. ઢોર પકડવાની ઝુંબેશ તાકીદે વેગવંતી બનાવવાનો નિર્ણય પણ કરાયો હતો.
ભૂતકાળ: બે વર્ષ પહેલા 1000 થી વધુ ઢોરને ટેગ લગાડાયા હતા
જામનગરમાં રખડતા ઢોરની સમસ્યા વર્ષો જૂની છે. જેના કારણે અત્યાર સુધીમાં જીવલેણ અકસ્માતના બનાવો પણ બની ચૂકયા છે. ત્યારે બે વર્ષે પૂર્વ મહાનગરપાલિકાએ 1000 થી વધુ ઢોરને ટેગ લગાડયા હતાં. ત્યારે આગામી દિવસોમાં કેટલા ટેગ લગાડવામાં આવશે તે જોવાનું રહ્યું.
વર્તમાન: મનપાના ઢોરના ડબ્બામાં 277 ખૂટિયા, 17 ગાય
જામનગરમાં મનપા દ્વારા રખડતા ઢોર પકડી રણજીતસાગર અને બેડેશ્વરમાં આવેલા ઢોના ડબ્બામાં પૂરવામાં આવે છે. હાલમાં મનપાના ઢોરના ડબ્બામાં 277 ખૂટિયા અને 17 ગાય છે. સમયાંતરે ઢોરને અન્ય સ્થળે ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.