વિદ્યાર્થિનીએ આપવીતી જણાવી:યુક્રેનમાં ફસાયેલી જામનગરની વિદ્યાર્થિની માદરે વતન પહોંચી, કહ્યુ- માઈનસ 15 ડીગ્રી તાપમાનમાં 42 કિ.મી ચાલીને બોર્ડર પહોંચી હતી

5 મહિનો પહેલા
  • માદરે વતન પહોંચતા જ વિદ્યાર્થિનીનું સગા-સંબંધી અને રહેવાસીઓએ ફૂલહાર કરી ઉષ્માભેર સ્વાગત કર્યું
  • યુદ્વ દરમિયાન જેવું સાયરન વાગે કે અમે બંધ ઘરમાં ઘૂસી જતાં હતાઃ યશસ્વી શાહુ

રશિયા અને યુક્રેન વચ્ચે હાલ યુદ્વ ચાલી રહ્યુ છે. ત્યારે યુક્રેનમાં અનેક ભારતીયો ફસાયા છે. જેઓને ઓપરેશન ગંગા હેઠળ ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જામનગરની વિદ્યાર્થિની પણ યુક્રેનમાં ફસાઈ હતી. તેઓને પણ વતન પરત લાવવામાં આવી હતી. વિદ્યાર્થિની માદરે વતન જામનગર પહોંચતા તેમના સગા-સંબંધી અને રહેવાસીઓ દ્વારા ફૂલહાર કરી ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું.

યુક્રેનથી ભારત આવવાને લઈ જામનગરની વિદ્યાર્થિની યશસ્વી શાહુએ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે, ભારત આવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. યુદ્વ દરમિયાન છ દિવસ બાદ પરત જામનગર પહોંચી છું. યુદ્ધ વચ્ચે માઈનસ 15 ડીગ્રી તાપમાનમાં 42 કિલોમીટર ચાલીને બોર્ડર પર પહોંચી હતી. એક સમયે ચાલવાની પણ શક્તિ રહી ન હતી. તેમ છતાં જેમ તેમ કરીને અમે બોર્ડર પહોંચ્યા હતા.

યશસ્વી શાહુએ વધુમાં જણાવ્યું કે, યુદ્વ દરમિયાન જેવું સાયરન વાગે કે અમે બંધ ઘરમાં ઘૂસી જતાં હતા. યુક્રેનની ટનોપીલ મેડિકલ યુનિવર્સિટીમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરૂ છું. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને હું જામનગર પહોંચી છું. યુદ્ધ શરૂ થતાં બોરીસપીલમાં હુમલો શરૂ થયા હતા. જેથી ફ્લાઈટ રદ થઈ હતી. આ દરમિયાન એડવાઈઝરી આવી કે બોર્ડર તરફ વિદ્યાર્થીઓ પહોંચે. જેથી અમે બોર્ડર તરફ જવાનું શરૂ કર્યુ હતું જોકે, બોર્ડર પર પહોંચવા માટે ટેક્સી બસ કે કંઈ મળ્યું ન હતું. જેથી અમે 40થી 42 કિલોમીટર ચાલીને પોલેન્ડ બોર્ડર પર પહોંચ્યા હતા. રસ્તામાં ફૂડ અને પાણી પણ ખૂટી પડયું હતું. રસ્તામાં ખુબ ઠંડી હતી અને માઈનસ 15 ડિગ્રી જેટલું તાપમાન હતું. અમે ગમે તેમ કરી બોર્ડર પર પહોંચ્યા હતા અને ભારત આવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરતા રહ્યા હતા.

વધુમાં જણાવ્યું કે, પોલેન્ડ બોર્ડરથી ભારતીય એમ્બેસીએ અમારી મદદ કરી હતી. ત્યારબાદ એક દિવસ પોલેન્ડ બોર્ડર પર જ રોકાણ કરવું પડ્યું હતું. જે બાદ અમે ફ્લાઈટ દ્વારા દિલ્હી આવી પહોચ્યા હતા. જ્યાથી હું ગુજરાતની ફ્લાઈટમાં જામનગર આવી પહોંચી હતી.

યુક્રેનમાં ફસાયેલી જામનગરની વિદ્યાર્થિની યશસ્વી શાહુ વતનમાં પરત ફરતા તેમના ખબર-અંતર પૂછવા જામનગરના પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયાએ તેઓના ઘરે પહોંચી તેમના ખબર અંતર પૂછ્યા હતા. તેમજ વિદ્યાર્થિનીનું તેમના સગા સંબંધીઓ અને રહેવાસીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...