જામનગરમાં ગાયમાં જોવા મળેલો લમ્પી વાયરસ લોકોમાં ન ફેલાતો હોવાનું વેટરનીટી ઓફીસરે જણાવતા લોકોમાં હાશકારો ફેલાયો છે. લમ્પી વાયરસના મોટાભાગના કેસ ગાંધીનગર વિસ્તારમાં નોંધાતા દોડધામ સાથે ચિંતાની લાગણી ફેલાઇ છે. વાયરસનો ભોગ બનેલી ગાયને આજથી રસીકરણ કરવામાં આવશે.જામનગરના ગાંધીનગર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ગાયમાં લમ્પી વાયરસ જોવા મળતા પશુપાલકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. આથી વાયરસનો ભોગ બનેલી ગાયના લોહીના સેમ્પલ લઇ ગાંધીનગરની લેબમાં પૃથ્થકરણ માટે મોકલાયા છે.
લમ્પી વાયરસનો પ્રથમ કેસ 2 મેના રોજ નોંધાયા હતો. અત્યાર સુધીમાં કુલ 26 કેસ નોંધાયા છે. જેના કારણે પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે અને ગાંધીનગર તેમજ અન્ય વિસ્તારમાં 4 ટીમ દ્રારા સર્વે શરૂ કરાયો છે. તદઉપરાંત ગાંધીનગરથી રસીના 5000 ડોઝ મંગાવામાં આવ્યા છે. ગાયને રસીકરણની કામગીરી શનિવારથી શરૂ કરવામાં આવશે. જો કે, ગાયમાં દેખાયેલો લમ્પી વાયરસ લોકોમાં ન ફેલાતો હોવાનું વેટરનીટી અધિકારીએ જણાવ્યું હતું.
ગાયને માખી, મચ્છર કરડવાથી લમ્પી વાયરસ થતા તાવ આવે છે, ચામડીમાં ગાંઠા જોવા મળે છે
ગાયને માખી, મચ્છર કરડવાથી લમ્પી વાયરસ થાય છે. લમ્પી વાયરસના કારણે ગાયને તાવ આવે છે અને ચામડીમાં ગાંઠા જોવા મળે છે. તદઉપરાંત ગાય બીમાર થતાં ખોરાક ઘટી જાય છે. જો કે આ રોગથી પશુના સંપર્કમાં આવનારને કોઈ વિપરીત અસર થતી નથી. - અનિલ વિરાણી, વેટરનીટી ઓફીસર, જામનગર
ગાયને સલામત સ્થળે રાખવા પશુમાલિકોને અનુરોધ
શહેરના ગાંધીનગર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ગાયમાં લમ્પી વાયરસનો રોગ જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં કુલ 26 કેસ નોંધાયા છે. આથી પશુપાલન વિભાગે ગાયને માર્ગો પર છોડવાને બદલે સલામત સ્થળે રાખવા પશુમાલિકોને અનુરોધ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.