ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે. ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે ગુજરાત આવેલા જામનગરના 72 વર્ષીય વૃદ્ધનો 2 ડિસેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોનના શંકાસ્પદ લક્ષણ જોવા મળતાં સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યું હતું. આજે આ વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેરનું આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું છે, જ્યારે જામનગર શહેરમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાતાં મુખ્ય સચિવે જામનગરના કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગ બોલાવી હતી અને મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક રિવ્યુ બેઠક બોલાવી છે.
સઘન ટેસ્ટિંગ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી
ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયા બાદ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આરોગ્ય પ્રધાન સાથે ત્વરિત બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ઓમિક્રોન વેરિઅન્ટના ખતરાને પહોંચી વળવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને વિદેશથી આવેલા પ્રવાસીઓનું સઘન ટેસ્ટિંગ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જામનગરની ડેન્ટલ કોલેજમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 4 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હતો, એમાંથી એકને ઓમિક્રોન વેરિયન્ટ ડિટેક્ટ થયો છે. 1 તારીખે સેમ્પલ જીનોમ માટે મોકલવામાં આવ્યું હતું.
કલેક્ટર ડો. સૌરભ પારધીએ જણાવ્ચું હતું કે, 28 નવેમ્બરે ઝિમ્બાબ્વેથી આવેલા 72 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમનું સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાવ્યું હતું. જે આજે રાજ્ય સરકાર તરફથી કન્ફર્મ કરવામાં આવ્યું છેકે જીનોમ સિક્વન્સિંગમાં જે સેમ્પલ હતું તે ઓમિક્રોન વેરિઅન્ટનું છે. તેમને અલગ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા હાઈરિસ્ક અને લો રિસ્ક કોન્ટેક્ટ બધા જ હોમ આઇસોલેશનમાં છે. પ્રાઇમરી ટેસ્ટિંગમાં બધાજ નેગેટિવ આવ્યા છે અને એસોપી પ્રમાણે રિપિટ ટેસ્ટિંગ કરવાનું થશે તો એ પણ કરવામાં આવશે.
હાઈ રિસ્કના 8 અને લો રિસ્કના 31 કોન્ટેક્ટ હતા તેમનું પ્રાઇમરી ટેસ્ટિંગ કરાયું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારથી આ દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા ત્યારથી જ એ વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો હતો અને રાઉન્ડ ધી ક્લોક મેકેનિજમ ગોઠવવામાં આવ્યું છે કે હોમ આઇસોલેશનનો કોઇ ભંગ ન કરે. ઓમિક્રોન વેરિઅન્ટ પોઝિટિવ દર્દી અમદાવાદથી જામનગર આવ્યા એ દરમિયાન એમની સાથે રહેલા લોકોને ટ્રેસ કરવામાં આવ્યા છે, તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને તેમના ટેસ્ટ પણ કરી લેવામાં આવ્યા છે. હાઈ રિસ્કના 8 અને લો રિસ્કના 31 કોન્ટેક્ટ હતા તેમનું પ્રાઇમરી ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. શરૂઆતમાં ગળામાં અસર થઇ હતી અને અશક્તિ જણાતી હતી. અત્યારે સારવાર હેઠળ છે અને ક્લિનિકલ સ્ટેબલ છે.
વેક્સિન કેટલી અસર કરશે એ હાલ કહેવું અશક્ય
નોડલ ઓફિસર ડો. ચેટરજીએ જણાવ્યું હતું કે, ટોટલ આઇસોલેશન ફેસેલિટી આપણી પાસે ઉપલબ્ધ છે. આ જે કેસ છે એ રૂટિન કોરોનાના દર્દી સાથે મિક્સ ન થાય એ માટે ડેન્ટલ હોસ્પિટલમાં જે વિભાગ છે ત્યાં રાખવામાં આવ્યા છે. જ્યાં હાલ અન્ય કોઇ દર્દી નથી. આ વેરિએન્ટમાં વેક્સિન કેટલી અસર કરશે એ હાલ કહેવું અશક્ય છે, પરંતુ લોજીક પ્રમાણે વેક્સિન અસર કરવી જ જોઇએ. આ એક નવોજ વેરિઅન્ટ છે અને બહુ ઓછા દેશોમાં છે એટલે હાલ કેવું અશક્ય છે.
3 લોકોના રિપોર્ટ આવવાના બાકી
વિદેશથી આવેલા 450 લોકોના 30 નવેમ્બરે સેમ્પલ લેવામાં આવ્યાં હતાં અને 1 ડિસેમ્બરે ટેસ્ટિંગ માટે સેમ્પલ પુણે મોકલવામાં આવ્યાં હતાં, જેનો રિપોર્ટ આજે આવતાં જેમાં 4 કોરોના પ્રોઝિટિવ અને એક ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થઇ ગયું છે, જ્યારે 3 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે. એક ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ તંત્ર દ્વારા 87 લોકોને ટ્રેસ કરવામાં આવ્યા છે.
ઓમિક્રોન વેરિયન્ટનો કેસ નોંધાતાં આરોગ્યતંત્ર દોડતું થયું
જામનગરમાં ત્રણ દિવસ પૂર્વે એક પરિવારના સાત લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યારે આજે ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિયન્ટનો કેસ નોંધાતાં આરોગ્યતંત્ર દોડતું થયું છે. આ દર્દીને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ જાહેર થયેલા દર્દીના નમૂના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા હતા. નવા વેરિયન્ટની ભારતમાં એન્ટ્રી થઇ ચૂકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા દર્દીના રિપોર્ટ પર સવિશેષ નજર રાખવામાં આવી રહી છે.
એક જ પરિવારના સાત દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા હતા
જામનગરમાં 2 ડિસેમ્બરે વધુ એક પોઝિટિવ દર્દી નોંધાયો હતો. સતત વધતા જતા કોરોનાગ્રાફને લઈને શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક જ પરિવારના સાત દર્દી નોંધાયા હતા. જોકે ત્યાર બાદ સતત બે દિવસમાં બે કેસ નોંધાયા હતા. સતત વધતા જતા કોરોનાગ્રાફ ચિંતાનો વિષય તો છે જ, પણ આજે આ ચિંતા બેવડાઈ છે, કારણ કે કોરોનાના નવો વેરિયન્ટ ભારતમાં દસ્તક દઈ ચૂક્યો છે. ખૂબ જ ઝડપી ચેપી એવા ઘાતક આ વેરિયન્ટને લઈને દેશમાં નવી ચિંતા ઉમેરાઈ છે ત્યારે આજે જામનગરમાં નોંધાયેલા ઓમિક્રોન વેરિયન્ટ શંકાસ્પદ જાહેર થતાં જીજી હોસ્પિટલમાં પોઝિટિવ જાહેર થયેલા દર્દીના નમૂના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા હતા. આ દર્દી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ઓમિક્રોનના દર્દીને પગલે આરોગ્યતંત્ર સહિત શહેરમાં ચિંતા છે.
આરોગ્યતંત્ર અલર્ટ
મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે સરકારની ગાઇડલાઇન્સ આવી ચૂકી છે કે જે લોકોને B.1.5.1.2.9 છે તેમને આપણે એક આઇસોલેશન હોય એમાં એક રૂમ અલગ કરીને રાખીએ છીએ અને કોવિડ સિવાયનો એક રૂમ અલગ કરી એની અંદર ટ્રીટમેન્ટ પ્રોટોકોલનો કરીને રાખીએ છીએ. એની અંદર એવી રીતે ટ્રીટમેન્ટ આપવાની હોય છે.
બે પ્રકારના ટેસ્ટિંગ કરીએ છીએ
ખરાડીએ જણાવ્યું હતું કે જ્યારે પોઝિટિવ કેસ આવે છે ત્યારે તરત જ આરોગ્યતંત્ર ટેસ્ટિંગ ચાલુ કરે છે અને આપણે બે પ્રકારના ટેસ્ટિંગ કરીએ છીએ, જેમાં નજીકથી મળ્યા હોય એને, જ્યારે હાઈ રિસ્ક ટેસ્ટિંગ અને લો રિસ્ક ટેસ્ટિંગ હોય છે તથા આજુબાજુના લોકો, જેઓ તેના સંપર્કમાં આવ્યો હોય. આરોગ્ય ખાતાને સૂચના પણ આપી દીધી છે કે શહેરમાં જ્યાં જરૂર પડે ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરવી. ઓમિક્રોન વેરિયન્ટથી આરોગ્યતંત્ર અલર્ટ થઈ ગયું છે.
આણંદ અને દાહોદમાં ઓમિક્રોન ફેલાવવાનો ભય
જામનગરમાં ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિયન્ટનો કેસ નોંધાતાં આરોગ્યતંત્ર દોડતું થયું છે. ત્યારે આણંદના કરમસદની હોસ્પિટલમાં એનઆરઆઇ યુવતી કોરોના પોઝિટિવ દાખલ કરવામાં આવી હોવાની વિગતો ચર્ચાતા પંથકમાં ચકચાર મચી છે. જોકે, આ ચર્ચાતી વાતોને આણંદ સી.ડી.એચ.ઓ ડો.એમ.ટી. છારીએ વખોડી અને અફવા ગણાવી છે. જ્યારે દુબઇથી દાહોદ આવેલા ચાર વ્યક્તિઓ અને તેમના સંપર્કમાં આવેલા તેમના ચાર પરિવારજનોને હાલ આરોગ્ય વિભાગ દ્રારા હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. સંભવતઃ આજે સાંજે તેમના રિપોર્ટ આવવાની શક્યતા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.