સાર્વત્રિક મેઘમહેર:જામનગર જિલ્લા પર હેત વરસાવતા મેઘરાજા, જોડીયા તાલુકામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ

જામનગર3 મહિનો પહેલા
  • જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા ધરતીપુત્રો ખુશખુશાલ

જામનગર જિલ્લા પર આજે સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ઉઠ્યા છે. આજે જોડીયા તાલુકામાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.

જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ
જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે જેના કારણે સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. જિલ્લામાં આજે વરસેલો વરસાદ ખેતી માટે કાચા સોનારૂપી સાબિત થયો છે.

સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી વરસેલો વરસાદ

જોડિયા4 ઈંચ
કાલાવડ2 ઈંચ
જામજોધપુર2 ઈંચ
જામનગર શહેર1 ઈંચ
ધ્રોલ1 ઈંચ
લાલપુર1 ઈંચ

સ્થાનિક નદી-નાળાઓ છલકાયા
જામનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને અનેક નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. નાના-નાના ચેકડેમ પાણીથી ભરાવા લાગ્યા છે જ્યારે કાલાવડ પંથકમાં ઊંડ 3 ડેમ કે જે પ્રથમ વરસાદ જ ઓવરફલો થયો છે જેથી ખેડૂતો પણ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.

જામનગરના ચંદ્રગઢ ગામમાં મંદિર પરિસરમાં પાણી ફરી વળ્યા
જામનગર તાલુકાના ચંદ્રગઢ ગામે સાંબેલાધાર વરસાદના કારણે ગામની નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ગામમાં આવેલા મંદિર પરિસરમાં પૂરના પાણી ફરી વળ્યા હતા.

કમિશનર બંગલા પાસે વૃક્ષ ધરાશાયી
જામનગર શહેરમાં આજે વહેલી સવારથી જ પવન સાથે વરસાદ પડી રહ્યો છે જે દરમિયાન ઝાડ પડવાનો સિલસિલો પણ અવિરત ચાલુ રહ્યો છે અને મહાનગરપાલિકાના કમિશનરના બંગલા પાસે એક ઝાડ મૂળમાંથી ઉખડીને ધરાશાયી થયું હતું. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી ઝાડને રસ્તા પરથી દૂર કરવામાં આવ્યું હતું.

કમિશનર બંગલા પાસે તોતીંગ વૃક્ષ જમીનદોસ્ત, જાનહાની નહીં..
જામનગર શહેરમાં ગત મંગળવારથી સતત વરસી રહેલા હળવા-ભારે વરસાદના કારણે શુક્રવારે મ્યુનિસિપલ કમિશનર બંગલા પાસે એક વૃક્ષ ધરાશાયી થયું હતું. જો કે, આ સમયે ત્યાં કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિ કે નુકસાની થવા પામી ન હતી. આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સ્ટાફ દોડી ગયો હતો અને રસ્તા ઉપરથી નડતરરૂપ વૃક્ષને દૂર ખસેડવાની કામગીરી કરી હતી. } તસવીર : હસિત પોપટ

ધ્રોલ-લતિપુર-ટંકારા હાઇવે પર વૃક્ષ પડયુ, વાહન વ્યવહાર અવરોધાયો
ધ્રોલ-લતિપુર-ટંકારા હાઇવે પર લાલપુરના પાટીયા પાસે શુક્રવારે એક બાવળનુ મોટુ વૃક્ષ રોડ પર પડી ગયુ હતુ.જેના કારણે થોડો સમય સુધી વાહન વ્યવહાર થંભી ગયો હતો.ધ્રોલ ફોરેસ્ટની વિસ્તરણ રેન્જના ફોરેસ્ટર એ.એચ. નોયડાને જાણ થતા તુરંત જેસીબી મશીન દ્વારા રોડ પરથી બાવળના ઝાડને દુર કરતા વાહન વ્યવહાર પુર્વવત કરાયો હતો.

ઉંડ-3 ડેમ ઓવરફલો,ડઝનેક ડેમમાં નવા નીર
હાલારમાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદના કારણે જુદા જુદા ડેમમાં નવા નીરની આવક થવા પામી છે.શહેરને પાણી પુરૂ પાડતા આજી-3 અને ઉંડ-2 સહિત અલગ અલગ તેર જળાશયોમાં નવા પાણીની આવક થઇ છે.જયારે ઉંડ-3 ડેમ ઓવરફલો થયાનુ સિંચાઇ સુત્રોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...