જામનગરમાં કોંગ્રેસના આગેવાનો અને નગરસેવકોએ ઠેબા ચોકડી પાસે કરેલા આકસ્મિક ચેકીંગમાં લમ્પીગ્રસ્ત ગાયોના મૃતદેહની મીઠું નાખ્ય વગર આડેધડ અંતિમવિધિ કરવામાં આવી રહ્યાની ચોંકવાનારી વિગતો બહાર આવી છે. જેના કારણે જીવદયાપ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. આટલું જ નહીં આકસ્મિક તપાસમાં શહેરમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડતા 6 માંથી 2 નાના વાહનમાં કેરણ, માટીના ઢગલા ભર્યાનું ખૂલતા કચરો ઉપાડવામાં તોતીંગ ભ્રષ્ટાચારનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.
આડેધડ નિકાલ કરવામાં આવતો હોવાની ફરિયાદો
જામનગરમાં ઠેબા ચોકડી પાસે લમ્પીગ્રસ્ત ગાયોના મૃતદેહનો આડેધડ નિકાલ કરવામાં આવતો હોવાની ફરિયાદો લોકોમાં ઉઠી હતી. જેને અનુલક્ષીને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મનપામાં વિપક્ષના નેતા આનંદ રાઠોડ, કોંગી નગર સેવક ધવલ નંદાએ સોમવારે સવારે ઠેબા ચોકડી પાસે આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં માત્ર ખાડો કરી તેમાં લમ્પીથી મૃત્યુ પામેલી ગાયોના મૃતદેહોને નાંખી મીઠું નાખ્યા વગર આડેધડ નિકાલ કરવામાં આવતો હોવાનું કોંગી આગેવાનો અને નગરસેવકોએ જણાવ્યું હતું.
તોતીંગ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
આટલું જ નહીં તેઓના પહોંચ્યા બાદ જેસીબી મોકલવામાં આવ્યું હતું. બીજી બાજુ ઠેબા ચોકડી પાસે ડમ્પીંગ પોઇન્ટ પર ચેકીંગ કરતા શહેરમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડતા 6 માંથી 2 નાના વાહનમાં કચરાના બદલે માટી અને કેરણ ભર્યાનું ખૂલતા કચરો ઉપાડવામાં તોતીંગ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો.
રૂપિયા 11 કરોડના ખર્ચે કચરો ઉપાડવાના કોન્ટ્રાકટ રિન્યુ કરાયા છે
જામનગરમાં ડોર-ટુ-ડોર કચરો ઉપાડવા માટે મહાનગરપાલિકાએ બે કંપનીને વાર્ષિક કોન્ટ્રાકટ આપ્યા છે. જે બંનેના કોન્ટ્રાકટ રૂ.11 કરોડના ખર્ચે રિન્યુ કરાયા છે. પરંતુ છાશવારે કોન્ટ્રાકટમાં ચાલતી ગાડીઓમાં કચરાને બદલે કેરણ, માટીના ઢગલાં ભરી તોતીંગ બીલ બનાવી ભારે ગોબાચારી આચરવામાં આવી રહ્યાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. આમ છતાં મનપા ફકત દંડ કરી સંતોષ માની રહી છે.
મહાનગરપાલિકા ગાયોના મૃતદેહનો મલાજો જાળવતી નથી, કચરો ઉપાડવામાં ગોબાચારી
શહેરમાં લમ્પી રોગચાળાથી મૃત્યુ પામેલી ગાયના મૃતદેહોની મનપા દ્વારા ઠેબા ચોકડી પાસે અંતિમવિધિ કરવામાં આવે છે. પરંતુ તે યોગ્ય રીતે કરવામાં ન આવતી હોવાની ફરિયાદો મળતા સોમવારે આકસ્મિક ચેકીંગ કર્યું હતું. જેમાં મીઠું નાખ્યા વગર ગાયોના મૃતદેહનો આડેધડ નિકાલ કરવામાં આવતો હતો. તદ્દઉપરાંત જેસીબીની પણ કોઇ વ્યવસ્થા ન હતી, અમે પહોંચ્યા બાદ જેસીબી મોકલવામાં આવ્યું હતંુ. આટલું જ નહીં નજીકમાં આવેલા ડમ્પીંગ પોઇન્ટ પર ચેકીંગ હાથ ધરતા 6 માંથી 2 નાના વાહનોમાં કચરાના બદલે કેરણ અને માટીના ઢગલાં ભર્યા હોય ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.> દિગુભા જાડેજા, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ.
ગાયના મૃતદેહની અંતિમવિધિ નિયમ મુજબ થાય છે, ચોમાસામાં કચરા સાથે માટી આવે છે
ઠેબા ચોકડી પાસે લમ્પી રોગચાળાથી મૃત્ય પામનાર ગાયના મૃતદેહોની અંતિમવિધિ નિયમ મુજબ યોગ્ય ખાડો કરી મૃતદેહમાં મીંઠુ નાખી જેસીબી વડે કરવામાં આવે છે. ચોમાસા હોવાના કારણે કચરા સાથે માટી પણ આવે છે. કચરો ઉપાડતા જો કોઇ ચોકકસ વાહનના નંબર આપવામાં આવે કે જે કેરણ ભરતા હોય તો પગલાં લઇ શકાય. > મુકેશ વરણવા, કંટ્રોલીંગ અધિકારી, જામનગર મહાનગરપાલિકા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.