શિક્ષણ તંત્રમાં અંધેર:વિભાજી શાળામાં પરીક્ષા પૂર્ણ થતાં ફાયર વિભાગે પુન: સીલ માર્યા

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર સેફ્ટીના સાધનોની ગ્રાન્ટ મંજૂર થાય તે પહેલાં કાર્યવાહી
  • ધો.9 અને 11 ની પરીક્ષાના કારણે ફાયર તંત્રએ બે માળના સીલ ખોલ્યા હતા

જામનગરમાં ગ્રાન્ટના અભાવે સરકારી વિભાજી હાઇસ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી ન થતાં ફાયર વિભાગે શાળાને સીલ માર્યા હતાં. પરંતુ ધો.9 અને 11 ની પરીક્ષાને કારણે આ સીલ ખોલાયા હતાં. જો કે, પરીક્ષા પૂર્ણ થયા બાદ ફાયર વિભાગે પુન: શાળામાં સીલ માર્યા છે.

સરકારી વિભાજી સરકારી હાઈસ્કુલમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાને કારણે ગત માસમાં મ્યુ. કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા શાળાના ઉપરના બે માળ પર જવાના માર્ગની જાળીને સીલ મારી દેતાં શાળા નીચેના ચાર વર્ગોમાં ચલાવવામાં આવતી હતી.

બાદમાં હવે ધો.9 અને 11ની પરીક્ષા ચાલુ થઈ થતી હોવાને કારણે વિધાર્થીઓના હિતમાં શાળાના સીલ ખોલી આપવા એનએસયુઆઈ અને યુવક કોંગીએ ચીફ ફાયર ઓફીસરની ચેમ્બરમાં એપ્રિલ માસમાં ધરણા કર્યા હતા. જે બાદ તા.રરના રોજ શાળામાં વૈકલ્પિક ફાયર સેફ્ટીના સાધનો ગોઠવાયા અને એક ફાયર ફાયટર શાળાની બહાર મુકાયા બાદ મ્યુ. કોર્પો.ના તંત્રએ શાળાના સીલ ખોલ્યા હતા.

હવે વાર્ષિક પરીક્ષા પુરી થતાં શાળાને ફરી સીલ માર્યા છે. આચાર્યએ શિક્ષણાધિકારી કચેરી અને ગાંધીનગરમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવાની ગ્રાન્ટ માંગતી રજુઆતો કરી હોવા છતાં સરકારી શાળા સામે કાયદાનો દંડો ઉગામવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...