અરેરાટી:ફલ્લા નજીક બંધ ટ્રકમાં પૂરપાટવેગે ઘૂસી ગયેલા બીજા ટ્રકના ડ્રાઈવરનું મોત

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પેટ્રોલ પંપ પાસે સર્જાયેલો જીવલેણ અકસ્માત
  • અકસ્માત એટલો ગંભીર હતો કે JCB વડે ટ્રકને છૂટા પાડવા પડ્યા, ટ્રકચાલક સામે ગુનો

જામનગર-રાજકોટ હાઈ-વે પર એક બંધ ટ્રક પાછળ બીજો ટ્રક ઘૂસી જતાં ડ્રાઈવરના બંને પગમાં ગંભીર રીતે ઈજા થઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે, ભારે જહેમત બાદ જેસીબી મારફતે ટ્રકને છૂટા પાડવામાં આવ્યા હતા. આ બનાવમાં સારવાર દરમિયાન ડ્રાઈવરનું મોત નિપજ્યું છે.

જામનગર-રાજકોટ હાઈ-વે પર ફલ્લા પાસે પેટ્રોલ પંપ નજીક એક સપ્તાહ પૂર્વે એક બંધ ટ્રક પાછળ જીજે-10-ટીએક્સ 7956 નંબરનો બીજો ટ્રક અથડાઈ ગયો હતો જેમાં ટ્રક ડ્રાઈવર ધ્રોલ તાલુકાના સોયલ ગામના ગોપાલગીરી ઈશ્વરગીરી ગોસ્વામીના બંને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત અન્ય ટ્રકને ઓવરટેક કરવા બાબતે થયો હતો.

અકસ્માત એટલો ગંભીર હતો કે, ગોપાલગીરીને બહાર કાઢવા માટે જેસીબી બોલાવીને બંને ટ્રકને અલગ કરવામાં આવ્યા હતા જે બાદ ઈજાગ્રસ્ત ગોપાલગીરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં લાંબી સારવાર બાદ ગોપાલગીરીનું મોત નિપજતા ટ્રકના પેઢી સંચાલકે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ એ.બી. સપિયાએ હાથ ધરી છે. અકસ્માતમાં ચાલકનો ભોગ લેવાતા પરિવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...